બાકીની ત્રણેય ટેસ્ટમાંથી પણ કોહલી `આઉટ’ ?
અંગત કારણોસર દેશ બહાર હોવાનો ખુલાસો
ભારતીય ટીમ હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પરાજિત થઈ ચૂકી છે અને હજુ શ્રેણીના ચાર મુકાબલા બાકી છે. આવામાં બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજા અને રાહુલ બહાર થઈ ગયા બાદ હવે વિરાટ કોહલી પણ આખી શ્રેણીમાંથી બહાર થઈ જવાની શક્યતા છે. કોહલીને બે ટેસ્ટમાં આરામ અપાયા બાદ હવે એવી અટકળો વહેતી થઈ છે કે વિરાટ બાકીની ત્રણ મેચમાં પણ રમશે નહીં એટલા માટે તેની પસંદગી જ શું કામ કરાઈ તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પસંદગીકારો ટૂંક સમયમાં બાકીની ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરશે.
અહેવાલો પ્રમાણે કોહલી અત્યારે ભારતમાં નથી. તેણે પ્રથમ બે ટેસ્ટ નહીં રમવા માટે વ્યક્તિગત કારણ આપ્યું હતું. વિરાટ નહીં હોવાથી ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીલ અને અય્યર સતત નિષ્ફળ જઈ રહ્યા છે. આવામાં કોહલી જેવા અનુભવી બેટરની તાતી જરૂરિયાત ટીમને લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે શ્રેણીની ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાવાની છે તેમાં કોહલી ઉપરાંત જાડેજા, શમી સહિતના સ્ટાર ખેલાડીઓ રમે નહીં તેવી શક્યતા અત્યારે સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.