ફૂટબોલ મેચમાં ભારતની મહિલા ટીમ પર બેફામ પથ્થરમારો !
બાંગ્લાદેશમાં બનેલી શરમજનક ઘટના: માંડ માંડ સ્થિતિ થાળે પડી
ભારતને SAFF મહિલા અન્ડર-૧૯ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશ સાથે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ પરિણામ સ્ટેડિયમ પર હાજર દર્શકોને માફક આવ્યું ન્હોતું અને તેમણે ભારતની મહિલા ટીમ ઉપર બેફામ પથ્થરમારો શરૂ કરી દેતા મામલો તંગ બન્યો હતો. નિર્ધારિત ૯૦ મિનિટની રમત બાદ મેચ ૧-૧ની બરાબરીએ પૂર્ણ થઈ હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ પણ બરાબરીએ રહી હતી જેથી ટોસના આધારે બાંગ્લાદેશને લાગ્યું કે તેણે મેચ જીતી લીધી છે પરંતુ ત્યારબાદ બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરાયું હતું. પોતાની ટીમના પક્ષમાં પરિણામ ન આવતાં બાંગ્લાદેશીઓ વિફર્યા હતા.
જેવો મેચ અધિકારીઓએ સિક્કો ઉછાળીને ભારતને ટૂર્નામેન્ટનું વિજેતા જાહેર કર્યું કે બાંગ્લાદેશી ચાહકોએ મેદાન પર પથ્થર અને બોટલ ફેંકવાનું શરૂ કર્યું હતું. આ પછી પરિણામ પરત લઈ લેવાયું અને બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાઈ હતી. આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશની યજમાનીમાં રમાઈ રહી હતી ત્યારે તેના જ ચાહકોએ આ પ્રકારની હરકત કરતા આખા વિશ્વમાં તેની ટીકા થઈ રહી છે.
બીજી બાજુ એઆઈએફએફના એક અધિકારીએ કહ્યું કે બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવાનો નિર્ણય યોગ્ય હતો !!