ફાઈનલની ટિકિટ કપાવવા આજે ટકરાશે રાજસ્થાન-હૈદરાબાદ
ચેન્નાઈમાં ક્વોલિફાયર-૨ મુકાબલો: જીતનારી ટીમ રવિવારે ફાઈનલમાં કોલકત્તા સામે ટકરાશે
આ વખતે આઈપીએલને ચેમ્પિયન તરીકે નવી ટીમ નહીં મળે તે નિશ્ચિત
આઈપીએલ-૧૭ના એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ચાર વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. હવે આજે રાજસ્થાનની ટક્કર ક્વોલિફાયર-૧ની પરાજિત સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સાંજે ૭:૩૦ વાગ્યાથી ચેન્નાઈમાં થશે. આ ક્વોલિફાયર-૨ મુકાબલો જીતનારી ટીમ રવિવારે ફાઈનલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે ટક્કર લેશે. એકંદરે આ ત્રણમાંથી ફાઈનલ કોણ પણ જીતે આ વર્ષે આઈપીએલને ચેમ્પિયન તરીકે નવી ટીમ નહીં મળે તે નિશ્ચિત છે કેમ કે અગાઉ આ ત્રણેય ટીમ ચેમ્પિયન બની ચૂકી છે.
રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો અર્ધી ટૂર્નામેન્ટ પૂરી થઈ ત્યાં સુધી ટીમ ગજબ ફોર્મમાં રમી રહી હતી પરંતુ અચાનક જ ચાર-ચાર મેચ હારી જતાં તેના અભિયાનને જોરદાર ઝટકો લાગ્યો હતો. જો કે એલિમિનેટરમાં જે રીતે ટીમે બોલિંગ-બેટિંગમાં પ્રદર્શન કર્યું તેને જોતાં આજે હૈદરાબાદ સામે તેનું પલડું ભારે લાગી રહ્યું છે. બેટિંગમાં યશસ્વી જયસ્વાલ, રોવમેન પોવેલ, સંજુ સેમસન સહિતના ખેલાડીઓ છે તો બોલિંગમાં બોલ્ટ સહિતના બોલરો હરિફ ટીમને હંફાવી રહ્યા છે.
આ જ રીતે હૈદરાબાદ પાસે ટે્રવિસ હેડ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા સહિતના વિસ્ફોટક બેટરો છે જે રાજસ્થાનના બોલરો પર ભારે પડી શકે છે. આ ઉપરાંત બોલિંગમાં ભુવનેશ્વર, નટરાજન સહિતના છે પરંતુ ક્વોલિફાયર-૧માં કોલકત્તા સામે હૈદરાબાદ ટીમની નબળાઈ ઉડીને આંખે વળગી હોવાથી આજે તેણે તેમાં સુધારો કરવો પડશે અન્યથા તેનું સ્વપ્ન રોળાઈ શકે છે.