ન્યુઝીલેન્ડના ચાડ બોવેસે માત્ર ૧૦૩ બોલમાં ઝૂડ્યા ૨૦૦ રન !
ટે્રવિસ હેડ-નારાયણ જગદીશનનો રેકોર્ડ તૂટ્યો
ન્યુઝીલેન્ડના ચાડ બોવેસે તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો. ચાડ બોવેસે લિસ્ટ `એ’ ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ૩૨ વર્ષીય ચાડે માત્ર ૧૦૩ બોલમાં ડબલ સેન્ચુરી બનાવી હતી. તેણે ૧૫૦ રન તો માત્ર બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ વતી ૧૭ મેચ રમી ચૂકેલો ચાડ ઘરેલું ક્રિકેટમાં કૈંટરબરી માટે રમે છે. તેણે કૈંટરબરી માટે ૧૦૩ બોલમાં ૨૦૦ રન બનાવ્યા હતા. તેણે આ ઈનિંગ ઓટાગો વિરુદ્ધ રમી હતી. ચાડ બોવેસ ૧૧૦ બોલમાં ૨૦૫ રન બનાવીને આઉટ થયો હતો. તેની આ ઈનિંગમાં ૨૭ ચોગ્ગા અને ૭ છગ્ગા સામેલ હતા. ચાડની આ ઈનિંગની મદદથી કૈંટરબરીએ ૫૦ ઓવરમાં ૩૪૩ રન બનાવ્યા હતા. જવાબમાં ઓટાગો ૨૪.૫ ઓવરમાં ૧૦૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ચાડ બોવેસે આ સાથે જ એન.જગદીશન અને ટે્રવિસ હેડનો લિસ્ટ-એમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી બનાવવાના સંયુક્ત રેકોર્ડને તોડ્યો હતો. ટે્રવિસ હેડે ૨૦૨૧માં સાઉથ ઑસ્ટે્રલિયા વતી ક્વિન્સલેન્ડ વિરુદ્ધ ૧૧૪ બોલમાં ડબલ સેન્ચુરી બનાવી હતી. જ્યારે જગદીશને ૨૦૨૨માં તમીલનાડુ વતી રમતા અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ ૧૧૪ બોલમાં ડબલ સેન્ચુરી ઝૂડી હતી.
