નિવૃત્ત થવું કે નહીં ? બે-ત્રણ મહિના પછી નિર્ણય લેશે ધોની
ધોની પોતે હજુ રાહ જોવા માંગે છે: સીએસકે મેનેજમેન્ટ
આઈપીએલના પ્લેઑફ સુધી ચેન્નાઈ સુપરકિંગ્સ પહોંચી શકી નથી. હવે સૌના મગજમાં એક જ વિચાર ચાલી રહ્યો છે કે શું પીળી જર્સીમાં ધોનીની ચેન્નાઈના ખેલાડી તરીકેની આ છેલ્લી મેચ હતી ?
ચેન્નાઈ સુપરકિંગ્સના એક સીનિયર અધિકારીએ કહ્યું કે ધોનીએ સીએસકેમાં હજુ સુધી કોઈને નથી કહ્યું કે તે નિવૃત્ત થઈ રહ્યો છે. તેણે મેનેજમેન્ટને માત્ર એટલું જ કીધું છે કે કોઈ પણ આખરી નિર્ણય લેતાં પહેલાં તે બે-ત્રણ મહિના સુધી રાહ જોવા માંગે છે. મેનેજમેન્ટને આશા છે કે ધોની પોતાનો વાયદો પૂરો કરશે અને ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ્ સ્ટેડિયમ પર પોતાની અંતિમ મેચ રમશે. તેની બેટિંગ અને વિકેટકિપિંગનું જે ફોર્મ છે તેને જોતાં કહી શકાય કે તે વધુ એક સીઝન રમી શકે છે.
ધોનીએ આરસીબી વિરુદ્ધ અંદાજે ચાર ઓવર બેટિંગ કરી અને આ દરમિયાન તે સિંગલ-ડબલ રન લેવામાં પણ સહજ જોવા મળ્યો હતો. તેની ઈજા સમયસર ઠીક થઈ રહી છે. આઈપીએલ-૨૦૨૫ પહેલાં મોટી હરાજી થવાની છે અને દરેક ફ્રેન્ચાઈઝી ટીમને પાંચ-પાંચ ખેલાડીઓને રિટેન કરવાની તક મળી શકે છે.