દિલ પર ઉંડા ઘા સાથે ભારત પરત ફરી વિનેશ: એરપોર્ટ પર ધ્રુસકે ધ્રુસકે રડી
વિનેશે કહ્યું, હું બહુ જ ભાગ્યશાળી છું કે મને ભારતીયો આટલો પ્રેમ આપે છે: કોંગ્રેસ સાંસદ પણ `વેલકમ’ માટે રહ્યા હાજર !
પેરિસ ઓલિમ્પિકથી ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ દિલ્હી પહોંચી હતી. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ઉપસ્થિત લોકોની ભીડ અને લાંબા સમય બાદ પરિવારજનોને જોઈને વિનેશ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેના આંસુ રોકાવાનું નામ જ લેતા ન્હોતા. વિનેશના મોઢેથી એક શબ્દ પણ નીકળ્યો ન્હોતો. અહીં તેનું સ્વાગત કરવા માટે ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે તેને પેરિસ ઓલિમ્પિકમાં વિનેશે મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેને સત્તાવાર વજન કરતાં ૧૦૦ ગ્રામ વધુ વજન આવતાં અયોગ્ય જાહેર કરી દેવાઈ હતી. વિનેશ ફોગાટ શનિવારે ભારત આવી રહી હોય એરપોર્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
આ વેળાએ કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિનેશનું સ્વાગત કર્યું હતું. વિનેશ દિલ્હીથી પોતાના ગામ બલાલી પહોંચી હતી. વિનેશે કહ્યું કે હું તમામ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું અને હું બહુ જ ભાગ્યશાળી છું.
બીજી બાજુ વિનેશના સ્વાગતમાં તેના ગામ બલાલીમાં લાડવા સહિતના પકવાન બનાવાયા હતા. વિનેશના સન્માનમાં ગામના સ્ટેડિયમમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.