તો ટી-૨૦ વર્લ્ડકપમાંથી વિરાટ કોહલીનું પત્તું કપાશે
વિન્ડિઝ-યુએસએની પીચ ઘણી ધીમી હોય કોહલી `નકામો’ સાબિત થશે ! આઈપીએલમાં સારું પ્રદર્શન તેની જગ્યા બચાવી શકે
આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ માટે ૩૦ એપ્રિલ સુધીમાં ટીમોનું એલાન થઈ જશે. બીસીસીઆઈએ પણ પોતાની ટીમ એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા તો મેના પ્રથમ સપ્તાહ સુધીમાં તૈયાર કરવાની રહેશે. આ બધાની વચ્ચે એવા અહેવાલો વહેતા થઈ રહ્યા છે કે વિરાટ કોહલીને ટીમમાંથી પડતો મુકવામાં આવી શકે છે. આ પાછળનું કારણ એ છે કે વિન્ડિઝ અને યુએસએમાં વિકેટ ધીમી હશે આવામાં તેની બેટિંગ સ્ટાઈલથી ભારતને ફાયદો મળશે નહીં. જો કે કોહલી પાસે લાઈફલાઈનના સ્વરૂપમાં એકમાત્ર આઈપીએલ છે જેમાં તે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની જગ્યા બચાવી શકે છે.
ટી-૨૦ વર્લ્ડકપ ટીમમાં જગ્યા બનાવવા માટે કોહલીએ આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. પસંદગીકારો કોહલીને પસંદ કરવામાં ઈચ્છુક નથી કેમ કે મેનેજમેન્ટનું માનવું છે કે અનુભવી ખેલાડીઓ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ટીમની જરૂરિયાતને પૂરી કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. કોહલીએ ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨ બાદ કોઈ ટી-૨૦ મેચ રમી નથી. તે રોહિત શર્મા સાથે અફઘાન ટી-૨૦ શ્રેણીમાં રમ્યો હતો.
બીજી બાજુ બીસીસીઆઈ સચિવ જય શાહે ટી-૨૦ વર્લ્ડકપ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે પરંતુ કોહલી બાબતે તેમણે મૌન સેવી લીધું હતું. હવે કોહલીનો મામલો અજીત અગરકર પર છોડી દેવામાં આવ્યો છે કેમ કે આ ઘણો જ નાજુક મામલો છે.
ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે વિન્ડિઝની ધીમી વિકેટ કોહલીને માફક આવશે નહીં એટલા માટે અજિત અગરકર કોહલીને યુવાઓ માટે રસ્તો કરી દેવા મનાવશે. બીસીસીઆઈને લાગે છે કે સૂર્યકુમાર યાદવ, તીલક વર્મા, રિન્કુ સિંહ અને શિવમ દૂબે જેવા યુવાનો પાસે ટી-૨૦ ફોર્મેટમાં કોહલીની તુલનાએ ઘણું કૌવત છે.
