ટી-૨૦ વર્લ્ડકપ માટે કાર્તિકનું પલડું રાતોરાત ભારે થઈ ગયું !
પંત-સંજૂ સેમસન રેસમાં પાછળ થઈ ગયા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૨૮૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ૧૨૧ રને ચોથી વિકેટ ગુમાવી હતી. જો કે દિનેશ કાર્તિકે હતાશ થયા વગર છેવટ સુધી લડત આપીને ૩૫ દડામાં ૮૩ રનની ઈનિંગ રમી ટીમને ૨૬૨ રન સુધી પહોંચાડી હતી. કોઈ શંકા નથી કે દિનેશ કાર્તિકે ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પોતાનો દાવો મજબૂત કરી દીધો છે. કાર્તિક આઈપીએલ-૨૦૨૪માં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં ૧૦મા નંબરે છે પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ પહેલાં નંબરનો છે. ટૂર્નામેન્ટમાં એક પણ એવો બેટર નથી જેણે ૧૫૦ રનથી વધુ બનાવ્યા હોય અને તેનો સ્ટ્રાઈક રેટ ૨૦૦થી વધુ હોય. દિનેશ કાર્તિકે ૭ મેચની ૬ ઈનિંગમાં ૭૫.૩૩ની સરેરાશ અને ૨૦૫.૪૫ના સ્ટ્રાઈક રેટથી ૨૨૬ રન બનાવ્યા છે. આઈપીએલ-૨૦૨૪માં માત્ર એક ભારતીય વિકેટકિપર સંજુ સેમસન છે જેણે દિનેશ કાર્તિક કરતા વધુ રન બનાવ્યા છે પરંતુ જ્યારે વાત ટી-૨૦ વર્લ્ડકપમાં દાવેદારીની આવે છે તો કાર્તિક સામે સેમસન કમજોર પડી જાય છે કેમ કે સેમસન ટોપ-૩માં બેટિંગ કરે છે. ભારતીય ટીમ પાસે ટોપ-૩ માટે કેપ્ટન રોહિત શર્મા સહિત અનેક દાવેદાર છે એટલા માટે કાર્તિક દાવેદાર ગણાશે.