ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં માત્ર એક મેચ રમશે ભારત
૧ જૂને ન્યુયોર્કમાં બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમાવાની તૈયારી
ભારતીય ટીમ ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં એકમાત્ર અભ્યાસ મેચ ૧ જૂને ન્યુયોર્કમાં બાંગ્લાદેશ સામે રમે તેવી શક્યતા છે. આ જ દિવસે કેનેડાના ડલાસમાં ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન મેચમાં સહ યજમાન અમેરિકા સામે ટકરાશે. સામાન્ય રીતે આઈસીસી ટૂર્નામેન્ટ પહેલાં બે ટીમ અભ્યાસ મેચ રમે છે પરંતુ વ્યસ્ત કાર્યક્રમને કારણે તમામ ૨૦ ટીમ ટૂર્નામેન્ટ પહેલાં આવું કરી શકશે નહીં. આઈપીએલ ૨૬ મેએ ખતમ થશે અને તેના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ટી-૨૦ વર્લ્ડકપમાં શરૂ થઈ જશે.
ભારત પોતાના ત્રણ લીગ મુકાબલા ન્યુયોર્કમાં રમશે એટલા માટે એ ઈચ્છે છે કે વધુ પડતી મુસાફરીથી બચવા માટે આ જ સ્થળે પ્રેક્ટિસ મેચ રમે. અમેરિકામાં બે અન્ય સ્થળ ડલાસ અને મિયામી પાસે ફોર્ટ લૉર્ડરહિલ છે. ન્યુયોર્કમાં અભ્યાસ મેચ રમવાથી ભારત સ્થિતિથી પણ વાકેફ થઈ શકશે. ભારતે પોતાની પહેલી મેચ ૫ જૂને આયર્લેન્ડ વિરુદ્ધ રમવાની છે. આ પછી ૯એ ભારત-પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો થશે.