ટીમ ઈન્ડિયાના ગબ્બર’ની ગર્જના શાંત
શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ: આઈપીએલ અંગે હજુ ચોખવટ નહીં
નવીદિલ્હી શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને ડૉમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે સોશ્યલ મીડિયા પર એક ભાવુક વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિ જાહેર કરી હતી.
ગબ્બર’ના નામથી પ્રખ્યાત ડાબોડી બેટર ધવન છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. શુભમન ગીલ જેવા ઓપનર્સના આવ્યા બાદ ધવનની ટીમમાં વાપસી મુશ્કેલ બની ગઈ હતી. ધવન આઈપીએલ રમશે કે નહીં તેને લઈને તેણે કોઈ સ્પષ્ટતા કરી નથી. ધવને ભારત માટે પહેલી વખત ૨૦૧૦માં વન-ડે ક્રિકેટ રમ્યું હતું. આ પછી ટી-૨૦ અને ત્યારબાદ ટેસ્ટ ફોર્મેટમાં તેને ડેબ્યુની તક મળી હતી.
રોહિત શર્મા અને શિખર ધવને મળીને વર્ષો સુધી ભારતીય ટીમ માટે ઓપનિંગ કરી હતી. ટીમને તોફાની શરૂઆત અપાવવા માટે બન્ને જાણીતા હતા. ધવને ઑસ્ટે્રલિયા પ્રવાસે ડેબ્યુ કરીને કોઈ ડેબ્યુ ખેલાડી દ્વારા સૌથી ઝડપી ટેસ્ટ સદી બનાવીને પસંદગીકારોને ચોંકાવી દીધા હતા. ધવન એક આક્રમક બેટર હતો. પોતાની અણીદાર મૂછથી નવી સ્ટાઈલ અખત્યાર કરનારો ધવન કેચ પકડ્યા બાદ જાંઘ ઉપર હાથ મારવા માટે પણ જાણીતો હતો.
શિખર ધવન આઈપીએલકાં એક બાદ એક સદી બનાવનારો પ્રથમ ખેલાડી છે. આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા લગાવવાનો રેકોર્ડ પણ તેના નામે જ છે. કુલ રન મામલે તે માત્ર વિરાટ કોહલી કરતા પાછળ છે. ધવને ૨૦૧૬માં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે આઈપીએલ જીતી હતી.