જેન્ટલમેન રાહુલ દ્રવિડ: પાંચ કરોડની જગ્યાએ અઢી કરોડનું જ ઈનામ લેશે !
અન્ય કોચને જેટલું ઈનામ મળ્યું તેટલું જ પોતે રાખ્યું: બોર્ડે નિર્ણયનો કર્યો સ્વીકાર
રાહુલ દ્રવિડને ક્રિકેટના સૌથી જેન્ટલમેન ક્રિકેટર ગણવામાં આવે છે. ટી-૨૦ વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમ માટે બીસીસીઆઈએ ૧૨૫ કરોડ રૂપિયાની રકમમાંથી દ્રવિડને પાંચ કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો હતો. જો કે દ્રવિડે પાંચ કરોડની રકમ નહીં લેવાનો નિર્ણય લીધો છે.
દ્રવિડે પોતાના ઈનામની રકમ ઘટાડીને અઢી કરોડ કરી છે. આ પાછળનું કારણ પણ ખાસ છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની તુલનાએ વધુ પૈસા લેવા ન્હોતા માંગતા. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે રાહુલ પોતાના સહયોગી સ્ટાફ જેમાં બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે, ફિલ્ડિંગ કોચ ટી.દિલીપ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોર જેટલી જ રકમ ઈનામ તરીકે લેશે. આ તમામને અઢી કરોડ મળ્યા છે. બીસીસીઆઈએ પણ દ્રવિડની ભાવનાઓની કદર કરી છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતે આફ્રિકાને વર્લ્ડકપના ફાઈનલમાંસાત રને હરાવ્યું હતું. આ જીત બાદ બીસીસીઆઈએ ટીમને ૧૨૫ કરોડનું ઈનામ જાહેરકર્યું હતું. મુખ્ય કોચ દ્રવિડ માટે પણ ટીમના ખેલાડીઓ બરાબર પાંચ કરોડ રૂપિયા આપવાની વાત નક્કી થઈ હતી.