છગ્ગા-ચોગ્ગાનો વરસાદ નહીં, IPLમાં ક્રિકેટની ઉડી રહી છે મજાક !!
અગાઉ માત્ર બે વખત કોઈ ટીમે ૨૫૦થી વધુ રન બનાવ્યા’તા આ વખતે ૪૨ મેચમાં જ ૭ વખત ૨૫૦થી વધુનો સ્કોર બન્યો
હૈદરાબાદે ૨૮૭ રન બનાવ્યા છતાં માત્ર ૨૫ રને મળી હતી જીત: ત્રણ વખથ એક જ મેચમાં ૫૦૦થી વધુ રન બન્યા
૨૨ પગલાંની પીચ પર બેટ-બોલથી રમાનારી રમતને ક્રિકેટ કહેવામાં આવે છે. બોલર બોલ ફેંકે એટલે બેટર તેના ઉપર શોટ રમીને રન બનાવે છે. બોલરનો લક્ષ્યાંક બેટરને આઉટ કરવાનો તો બેટર તે દડે વધુમાં વધુ રન બનાવવા માંગે છે. જો કે આઈપીએલમાં અત્યારે સ્થિતિ એકદમ વિપરીત બની જવા પામી છે. ક્રિકેટ નિષ્ણાતોના મતે ક્રિકેટના તમામ નિયમો બેટરને ફાયદો આપવા માટે જ બનાવાય છે. પીછથી લઈને બાઉન્ડ્રીની સાઈઝ સુધીનું બધું જ બેટરોને ફાયદો મળે તે માટે જ બનાવાય છે. બેટરો મજબૂત થઈ રહ્યા છે અને બોલરોની હાલત ખરાબ થઈ રહી છે. ક્યારેક ૬૦ ઓવરની વન-ડેમાં ૨૫૦ રન બનાવનારી ટીમની જીત પાક્કી ગણાતી હતી જ્યારે આજે ટી-૨૦માં પણ ૨૫૦ રનનો સ્કોર સુરક્ષિત નથી.
આઈપીએલ-૧૭માં બોલરોની દુર્ગતિ થઈ રહી છે. આ સીઝન પહેલાં આઈપીએલમાં માત્ર બે વખત કોઈ ટીમે ઈનિંગમાં ૨૫૦થી વધુ રન બનાવ્યા હતા. આ વખતે ૪૨ મેચમાં જ ૭ વખત ૨૫૦થી વધુનો સ્કોર બની ગયો છે. આઈપીએલના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ આ સીઝનમાં બે વખત તૂટી ચૂક્યો છે. હૈદરાબાદે પહેલાં ૨૭૭ રન બનાવ્યા અને પછી ૨૮૭ રન બનાવીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આટલો મોટો સ્કોર બનાવ્યા બાદ પણ હૈદરાબાદને માત્ર ૨૫ રને જીત મળી હતી. આ સીઝનમાં ત્રણ વખત એક જ મેચમાં ૫૦૦થી વધુ રન બન્યા છે. અગાઉ એક આઈપીએલ મેચમાં સૌથી વધુ ૪૬૯ રન બન્યા હતા.
આઈપીએલની આ સીઝનમાં પહેલા બોલથી જ છગ્ગા-ચોગ્ગા લાગી રહ્યા છે. ક્રિકેટમાં જ્યારે નવો દડો હોય છે ત્યારે સીમ અને સ્વિંગ થાય છે. આવામાં બેટરોએ ઝઝૂમવું પડે છે. સેટ થયા બાદ જ તે મોટા શોટ લગાવી શકે છે. દડો જૂનો થાય એટલે સ્પીનર્સ આવી જાય છે પરંતુ આ વખતે આવું કશું જ જોવા મળી રહ્યું નથી.