ચેસ માસ્ટર ડી.ગુકેશની કમાલ: નં.૧ કાર્લસન-લિરેનને હરાવ્યા
પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના ફિરોઝા સામે હાર્યા બાદ ગુકેશે કરી જબદરસ્ત વાપસી
ભારતીય ચેસ ખેલાડી ડી.ગુકેશે વીસેનહૉસ ફ્રી-સ્ટાઈલ ચેસ જી.ઓ.એ.ટી. ચેલેન્જના પ્લેઑફ રાઉન્ડમાં દુનિયાના નંબર વન ખેલાડી મૈગ્નસ કાર્લસન અને હાલના વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના અલીરેઝા ફિરોઝા સામે હાર્યા બાદ ભારતીય ગુકેશે બીજા રાઉન્ડમાં કાર્લસનને હરાવવા માટે ઝડપી વાપસી કરી હતી. આ પછી ગુકેશે ત્રીજા રાઉન્ડમાં યુએસએના લેવોન અરોનિયનને અને ચોથા રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન ચીનના લિરેનને પરાજિત કર્યો છે. તે ૩.૦/૪ સાથે ઉઝબેકિસ્તાનના નોદિરબેક અબ્દુસાત્તોરોવ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે રહ્યો હતો.
ફિશર રેન્ડમ ચેસ અથવા ચેસ-૯૬૦ના નામથી જાણીતી વિશિષ્ટ ફ્રી-સ્ટાઈલ ચેસ સ્પર્ધામાં નવોદિત હોવા છતાં ગુકેશે પોતાના શાનદાર પ્રદર્શન થકી એમ અમિટ છાપ છોડી દીધી છે. અત્યારે ટૂર્નામેન્ટ સ્ટેન્ડિંગમાં બીજા સ્થાને રહેલો ગુકેશ જર્મન ગ્રાન્ડમાસ્ટર વિન્સેન્ટ કીમરથી પાછળ રહીને એક પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે.
મૈગ્સન કાર્લસન દ્વારા પસંદ કરાયેલી લાઈનઅપની વિશેષતાવાળી આ ટૂર્નામેન્ટમાં ફૈબિયાનો કારુઆના, લિરેન, ફિરોઝા, અબ્દુસાત્તોરોવ, કીમર અને એરોનિયન જેવા ખેલાડીઓ સામેલ છે. વિસેનહૉસ ફ્રી-સ્ટાઈલ ચેસ જી.ઓ.એ.ટી. ચેલેન્જમાં ગુકેશની સફળતા તેની કરિયર માટે મહત્ત્વનો માઈલસ્ટોન સાબિત થશે.