ચેન્નાઈ સુપરકિંગ્સના માલિકને ત્યાં ઈડીના દરોડા
ધોની પણ વર્ષોથી આ કંપનીમાં ૧.૭૦ લાખના પગારે કરે છે નોકરી: એન.શ્રીનિવાસનની ઓફિસ-ઘર ઉપર ટીમો ત્રાટકી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોની જે કંપનીમાં નોકરી કરે છે તેના ઉપર ઈડીએ દરોડો પાડ્યો છે. સૂત્રોના જરાવ્યા પ્રમાણે ચેન્નાઈમાં હેડ ક્વાર્ટર ધરાવતી સીમેન્ટ કંપની ઈન્ડિયા સીમેન્ટસની ઓફિસ પર ઈડીની ટીમે સર્ચ ઓપરેશન કરી રહી છે. પાછલા ઘણા વર્ષોથી ધોની આ કંપની સાથે જોડાયેલા છે. ઈન્ડિયા સિમેન્ટસ લિમિટેડ આઈપીએલમાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સની માલિક છે.
આ કંપનીના માલિક એન.શ્રીનિવાસન છે જે ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રહી ચૂક્યા છે. સાથે જ લાંબા સમય સુધી તમીલનાડુ ક્રિકેટ એસોસિએશનમાં પણ શ્રીનિવાસનનું રાજ ચાલે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઈડીનો આ દરોડો ફેમા કાયદો (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ કરવામાં આવી રહી છે જેનો સંબંધ વિદેશ સાથેની લેવડ-દેવડ સાથે છે. કંપનીના એમ.ડી.એન.શ્રીનિવાસનના ઘરે પણ ઈડીની ટીમ પહોંચી છે.
અંદાજે ૭૭૦૦ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી ઈન્ડિયા સિમેન્ટસે ૨૦૦૮માં આઈપીએલમાં ચેન્નાઈની ફ્રેન્ચાઈઝી ખરીદી હતી ત્યારે ફ્રેન્ચાઈઝીએ આ માટે ૯ કરોડ ડોલરથી વધુ ફી બીસીસીઆઈને આપી હતી. સાથે જ પહેલી હરાજીમાં ધોનીને સૌથી ઉંચી કિંમતે ખરીદીને કેપ્ટન બનાવ્યો હતો. આ પછી ધોની ચેન્નાઈ ટીમનો હિસ્સો અને કેપ્ટન છે. ૨૦૧૨માં ઈન્ડિયા સિમેન્ટસમાં ધોનીને કર્મચારી તરીકે સામેલ કરાયો હતો. ત્યારે ધોનીને કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ) તરીકે નિમણૂક અપાઈ હતી. ધોનીને ૪૩,૦૦૦ રૂપિયાના મુળ પગાર પર રખાયો હતો અને અલગ-અલગ ભથ્થા સાથે તેને ૧.૭૦ લાખ રૂપિયાનો માસિક પગાર ચૂકવાતો હતો.