ચક દે રાજકોટ: ખેલ મહાકુંભ હોકીમાં ભાવનગરને હરાવી ચેમ્પિયન
સિનિયર મેન્સ હોકી કેટેગરીમાં ૧૫ ટીમો વચ્ચે થઈ’તી ટક્કર
રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ઉપર રમાયેલી ઝોન કક્ષાની ખેલ મહાકુંભ હોકી ટૂર્નામેન્ટમાં ભાવનગરની ટીમને ફાઈનલમાં હરાવી રાજકોટ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ મુકાબલામાં રાજકોટે પાંચ ગોલ ફટકાર્યા હતા તો ભાવનગર ત્રણ જ ગોલ ફટકારી શક્યું હતું. સીનિયર મેન્સ કેટેગરીની આ ટૂર્નામેન્ટમાં રાજકોટ ઉપરાંત અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જૂનાગઢ, રૂરલ, ભાવનગર શહેર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, કચ્છ-ભૂજ, ભાવનગર, ગીર-સોમનાથ સહિતની ટીમોએ ભાગ લીધો હતો. રાજકોટ શહેરે ટૂર્નામેન્ટમાં સૌથી પહેલાં ભાવનગર રૂરલને ૮-૦થી હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. સેમિફાઈનલમાં તેની ટક્કર કચ્છ-ભૂજ સામે થ, હતી જેમાં રાજકોટે ૭-૧થી બાજી મારી હતી. પોતાનું ધારદાર પ્રદર્શન ફાઈનલમાં પણ જાળવી રાખી ભાવનગર શહેરને ૫-૩થી પરાજય આપી ચેમ્પિયન બની હતી. આ ટીમમાં દેવર્ષિ તુષારભાઈ રાચ્છ સહિતના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયન બનવા બદલ ટીમને કોચ મહેશભાઈ દિવેચાએ અભિનંદન પાઠવ્યા હતા.