ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો: શમી `આઉટ’
ઘૂંટણની સર્જરી કરાવવા લંડન જશે: આઈપીએલમાં ગુજરાતની મુશ્કેલીમાં વધારો
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની આગલી સીઝનમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રમતો જોવા મળશે નહીં. વર્લ્ડકપ અને પાછલી આઈપીએલ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો શમી આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. શમીને ઘૂંટણમાં ઈજા થતાં તે આ ટૂર્નામેન્ટ રમી શકશે નહીં. હવે તે ઘૂંટણની સર્જરી માટે લંડન જશે.
શમી અત્યારે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી રમી રહ્યો નથી. તેણે નવેમ્બરમાં ઓસ્ટે્રલિયા વિરુદ્ધ વન-ડે વર્લ્ડકપ ફાઈનલ રમી હતી. સૂત્રએ જણાવ્યું કે શમી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ઘૂંટણ માટેનું વિશેષ ઈન્જેક્શન લેવા માટે લંડનમાં હતો અને તેને જણાવાયું હતું કે ત્રણ સપ્તાહ બાદ તે હળવી દોડ શરૂ કરી શકશે.જો કે હવે આ ઈન્જેક્શન કામ કરી રહ્યું નથી એટલા માટે તેણે હવે સર્જરી જ કરાવવી પડશે એટલા માટે શમી હવે લંડન રવાના થશે.
શક્યતા છે કે શમી હવે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ (ઓક્ટોબર-નવેમ્બર) વિરુદ્ધ ઘરેલું મેદાન પર રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.