ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય નથી બન્યું એવું રાજકોટમાં થયું !!
અનેક રેકોર્ડ માટે જાણીતી બનેલી રાજકોટ ટેસ્ટમાં નોંધાયો વધુ એક કીર્તિમાન
રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસ દરમિયાન કંઈક એવું બન્યું જેના વિશે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય ! હવે કદાચ બીજી વખત આવું બને તેવી શક્યતા પણ બહુ ઓછી રહેલી છે.
આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ખરાબ શરૂઆત છતાં ટીમે ૪૪૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પહેલી ઈનિંગમાં રોહિત અને રવીન્દ્ર જાડેજાએ સદી બનાવી હતી તો ડેબ્યુ કરનારા સરફરાઝ ખાને ફિફટી બનાવી હતી. ઈંગ્લેન્ડે બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં ૨ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટના પ્રથમ દિવસે ૩૨૬ રન બનાવ્યા હતા. કમાલની વાત એ છે કે બીજા દિવસની રમતમાં પણ આટલા જ રન બન્યા હતા. કોઈ પણ ટેસ્ટ મેચમાં અગાઉ ક્યારેય આવું જોવા મળ્યું ન્હોતું કે બન્ને દિવસની રમતમાં એક જ પ્રકારના રન બન્યા હોય. બીજા દિવસની રમતમાં ભારતીય ટીમે ૧૧૯ રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડની ટીમે ૨૦૭ રન બનાવ્યા હતા. આ રીતે બીજા દિવસે ભારત-ઈંગ્લેન્ડના સ્કોરને જોડવામાં આવે તો ૩૨૬ જ થાય છે.
ભારતીય ટીમે રોહિત-રવીન્દ્રની સદીની મદદથી પહેલાં દિવસે ૩૨૬ રન બનાવ્યા હતા. રોહિતના બેટમાંથી ૧૩૧ તો જાડેજાના બેટમાંથી ૧૧૨ રન નીકળ્યા હતા. ઈંગ્લેન્ડ વતી બીજા દિવસે ઓપનર બેન ડકેટે સદી બનાવી હતી. તે ૨૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૩૩ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.