કુલદીપ ૧૦૦ વર્ષમાં સૌથી ઓછા દડામાં ૫૦ વિકેટ લેનારો બોલર બન્યો
૧૮૭૧મા દડે હાંસલ કરી ઉપલબ્ધી
કુલદીપ યાદવે ધર્મશાલામાં ધારદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડ ટીમની કમર તોડી નાખી હતી. પાંચમી ટેસ્ટ મેચમાં તેણે પાંચ વિકેટ ખેડવી હતી. આ સાથે જ તેણે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા દડામાં ૫૦ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ચોથા ફાઈવ વિકેટ હૉલ પ્રાપ્ત કરતા પહેલાં તે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટની ફિફટી પૂર્ણ કરવામાં પણ સફળ થયો હતો. તેણે ચોથી વિકેટ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦મી વિકેટ પૂરી કરી હતી. કુલદીપે ૧૦૦મી ટેસ્ટ મેચ રમી રહેલા જોની બેરિસ્ટોનો ૫૦મો શિકાર કર્યો હતો. તેણે ૧૮૭૧મા દડે ૫૦મી વિકેટ ખેડવી હતી. આ સાથે જ તે સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનારો ભારતીય બન્યો છે કેમ કે તેના પહેલાં સ્પિનર અક્ષર પટેલ ૨૨૦૫ દડામાં અને પેસર જસપ્રીત બુમરાહે ૨૪૬૫ દડામાં યેસ્ટ ક્રિકેટમાં ૫૦મી સફળતા પોતાના નામે કરી હતી.
એટલું જ નહીં કુલદીપ યાદવ પાછલા ૧૦૦ વર્ષમાં સૌથી ઓછા દડામાં ૫૦ વિકેટ લેનારો બોલર બન્યો છે. આ ઉપરાંત તે ત્રણેય ફોર્મેટમાં ૫૦થી વધુ વિકેટ લેનારો ભારતનો પાંચમો બોલર બન્યો છે. તેના પહેલાં આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે આ કમાલ ભારત માટે કરી છે. દુનિયાના અમુક જ બોલરો એવા છે જે ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦-૫૦ અથવા તેનાથી વધુ વિકેટ લેવામાં સફળ નિવડ્યા છે.
કુલદીપ યાદવે વર્ષ ૨૦૧૭માં આ મેદાન ઉપર પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું અને ૫૦મી વિકેટ પણ આ જ ગ્રાઉન્ડ પર પૂર્ણ કરી છે.