કિરોન પોલાર્ડ બન્યો ૯૦૦ `સિક્સરમેન’
નિવૃત્તિ બાદ પણ ઉભા રહેવાનું નામ નથી લેતો
વેસ્ટ ઈન્ડિઝ પૂર્વ વિસ્ફોટક ઑલરાઉન્ડર કિરોન પોલાર્ડ નિવૃત્તિ બાદ પણ ઉભા રહેવાનું નામ લઈ રહ્યો નથી અને પોતાની તોફાની બેટિંગથી ડંકો વગાડી રહ્યો છે. પોલાર્ડ અત્યારે ઈન્ટરનેશનલ લીગ ટી-૨૦માં મુંબઈ ઈન્ડિયન્સ એમિરેટસ વતી રમી રહ્યો છે. પોલાર્ડે ટૂર્નામેન્ટની સાતમી મેચમાં ડેઝર્ટ વાઈપર્સ વિરુદ્ધ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. પોલાર્ડે આ મેચમાં ૨૩ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. આ સાથે જ પોલાર્ડના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો હતો. પોલાર્ડ હવે ટી-૨૦ ક્રિકેટમાં ક્રિસ ગેઈલ બાદ બીજા ક્રમે આવી ગયો છે. પોલાર્ડે ટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦ સિક્સ પૂર્ણ કરી લીધી છે. તેણે આ કારનામું પોતાની ૬૯૦મી ટી-૨૦ મેચમાં કર્યું હતું. ક્રિસ ગેઈલ ૪૬૩ ટી-૨૦ મેચમાં ૧૦૫૬ છગ્ગા લગાવી ચૂક્યો છે. આ ઉપરાંત ત્રીજા ક્રમે આંદ્રે રસૈલ છે જેણે ૭૨૭ છગ્ગા તો નિકોલસ પૂરને ૫૯૩ છગ્ગા લગાવ્યા છે. પાંચમા ક્રમે ન્યુઝીલેન્ડનો કોલિન મુનરો આવે છે જેના સામે ૫૫૦ છગ્ગા છે.