ઓસ્ટે્રલિયાએ કર્યા ન્યુઝીલેન્ડના સૂપડા સાફ
ત્રણ મેચની શ્રેણી ૩-૦થી કરી પોતાના નામે: ત્રીજી ટી-૨૦માં ન્યુઝીલેન્ડનો ૨૭ રને પરાજય
ઓસ્ટે્રલિયાએ ન્યુઝીલેન્ડને તેના જ ઘરમાં ટી-૨૦ શ્રેણીમાં પરાજિત કર્યું છે. વરસાદથી પ્રભાવિત ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં ન્યુઝીલેન્ડને ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ ૨૭ રને હરાવી ત્રણ મેચની શ્રેણી ૩-૦થી પોતાના નામે કરી છે. પહેલાં બેટિંગ કરતા ઓસ્ટે્રલિયાએ ૧૦.૪ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૧૮ રન બનાવ્યા હતા. આ પછી ન્યુઝીલેન્ડ સામે ૧૨૬ રનનો લક્ષ્યાંક હતો જેની સામે તે ૩ વિકેટે ૯૮ રન જ બનાવી શક્યું હતું. ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જવાબમાં ઓસ્ટે્રલિયાએ શરૂઆતથી જ સટાસટી બોલાવી દીધી હતી. ન્યુઝીલેન્ડ વતી બેટિંગમાં ગ્લેન ફિલિપ્સે ૨૪ દડામાં ૪૦ રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટે્રલિયા વતી ટે્રવિસ હેડે ૩૩, મેથ્યુ શોર્ટે ૨૭ રનની ઈનિંગ રમી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં ટી-૨૦ વર્લ્ડકપ રમાવાનો છે. પાછલી વખતે ઓસ્ટે્રલિયાની યજમાનીમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં ટીમ સેમિફાઈનલમાં પણ જગ્યા બનાવી શકી ન્હોતી.
