એક શ્રેણી હાર્યા એટલે તેનો મતલબ એ નથી કે બધું પૂરું થઈ ગયું: રોહિત
અમે હજુ અમુક શ્રેણી હારશું પણ ખરા !
ભારતને ત્રીજા અને અંતિમ વન-ડે મુકાબલામાં શ્રીલંકાએ ૧૧૦ રને હરાવીને શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી લીધી હતી. શ્રીલંકાએ ૧૯૯૭ બાદ ભારત સામે પહેલી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતી હતી. મેચ બાદ સ્પિનરો વિરુદ્ધ ભારતીય બેટરોના સંઘર્ષ અંગે પૂછાતાં રોહિતે કહ્યું કે મને નથી લાગતું કે આ ચિંતાનો વિષય છે પરંતુ આ દિશામાં અમારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. અમે નિશ્ચિત રીતે આ શ્રેણીમાં દબાણ હેઠળ હતા. અમે શ્રેણી ગુમાવી દીધી છે અને મને લાગે છે કે અમારે સકારાત્મક પાસા અંગે વિચારવાની જગ્યાએ અનેક ક્ષેત્રો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અમારે પાછળ જઈને જોવું પડશે કે જ્યારે અમે આ પ્રકારની સ્થિતિમાં હતા ત્યારે અમે શું કરતા હતા.
જ્યારે તમે ભારત વતી રમો છો તો લાપરવાહ બનવાનો સવાલ જ ઉભો થતો નથી. તમારે સારા ક્રિકેટના વખાણ કરવા જ પડશે. શ્રીલંકા અમારા કરતા સારું રમ્યું હતું. જો કે એક શ્રેણી હારવાનો મતલબ એ નથી કે હવે બધું ખતમ થઈ ગયું છે. આ એ જ ખેલાડીઓ છે જે પાછલા અમુક વર્ષોથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અમે અમુક શ્રેણી હારશું પણ ખરા !
જો કે રોહિતે એ વાતનો સ્વીકાર પણ કર્યો કે તેની ટીમે સારું પ્રદર્શન કર્યું નથી. રોહિતે કહ્યું કે અમે આખી શ્રેણીમાં સારું ક્રિકેટ નથી રમ્યું અને તેનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે.