ઋષભ પંત ઉપર તોળાઈ રહેલો પ્રતિબધનો ખતરો
બીજી વખત સ્લો ઓવર રેટને કારણે પંતને ૨૪ તો અન્ય ખેલાડીને ૬ લાખનો દંડ: હવે ભૂલ થશે એટલે એક મેચનો પ્રતિબંધ લાગશે
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે દમદાર વાપસી કરીને બેટથી તરખાટ મચાવી દીધો છે પરંતુ ટીમને તેનો કોઈ જ ફાયદો મળ્યો નથી. કોલકત્તા સામે પંતે છ દડામાં બાઉન્ડ્રી લગાવવાની સાથે ૨૫ દડામાં ૪ ચોગ્ગા અને ૫ છગ્ગાના દમ પર ૫૫ રન બનાવ્યા હતા. જો કે તે ૨૭૩ રનના ભારે-ભરખમ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પોતાની ટીમને ૧૦૬ રનની શરમજનક હારથી બચાવી શક્યો ન્હોતો. મેચ બાદ તુરંત જ પંતને વધુ એક ઝટકો લાગ્યો હતો.
પંતને આઈપીએલ-૧૭માં સ્લો ઓવર રેટના બીજા અપરાધ માટે ૨૪ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. જ્યારે તેની ટીમના અન્ય ખેલાડીઓની ફી ૨૫% કાપી લેવાઈ છે. આ સાથે જ હવે પંત ઉપર પ્રતિબંધનો ખતરો તોળાઈ રહ્યો છે. નિયમ પ્રમાણે પંતની આગેવાનીમાં ટીમ હવે કોઈ પણ મેચમાં સમયસર ઓવર પૂરી કરી નહીં શકે તો ૩૦ લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ પંત ઉપર લાગી જશે સાથે જ ટીમના ખેલાડીઓએ પણ તગડો દંડ ભરવો પડશે.
આઈપીએલે એક નિવેદનમાં કહ્યું કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને દંડ ફટકારાયો છે કેમ કે તેની ટીમે કોલકત્તા વિરુદ્ધ પોતાની ઓવર સમયસર પૂરી કરી ન્હોતી. આવું બીજી વખત બન્યું છે જ્યારે પંત સ્લો ઓવર રેટનો દોષિત ઠર્યો છે. પંતને ૨૪ લાખ તો પ્લેઈંગ ઈલેવનના બાકીના ખેલાડીઓને ૬-૬ લાખ અથવા તેની મેચ ફીના ૨૫%માંથી જે પણ ઓછું હશે તે દંડ સ્વરૂપે વસૂલાશે.
દિલ્હી માટે પ્લેઑફમાં પહોંચવું અત્યંત કપરું
કોલકત્તા સામે હાર બાદ સ્થિતિ એવી નિર્માણ પામી છે કે દિલ્હીએ પ્લેઑફમાં પહોંચવા માટે તમામ મેચ જીતવી પડશે સાથે સાથે જીતનું અંતર પણ વધારવું પડશે. બધા લોકો જાણે છે કે પ્લેઑફમાં ક્વોલિફાય કરવા માટે નેટ રનરેટ કેટલી જરૂરી હોય છે. દિલ્હીની ૧૦ મેચ બાકી છે અને તેની પાસે બે પોઈન્ટ છે. ૧૬ અથવા તેનાથી વધુ પોઈન્ટ હોય તો જ પ્લેઑફની જગ્યા સુરક્ષિત બને છે. આવું કરવા માટે દિલ્હીએ ૧૦માંથી ઓછામાં ઓછી સાત મેચ જીતવી પડશે. ૪માંથી ૩ મેચ હારનારી ટીમ માટે ૧૦માંથી ૭ મેચ જીતવી સરળ નથી હોતી.
