ઈન્ડોનેશિયામાં ચાલું મેચે ફૂટબોલર પર વીજળી પડતાં મોત
ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી ઉપર આકાશમાંથી વીજળી પડવાને કારણે મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં ખરાબ હવામાન વચ્ચે એફસી બૈનડુંગ અને એફબીઆઈ શુબૈંગ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન મેદાનના એક હિસ્સામાં ઉભેલા એક ખેલાડી પર અચાનક જ ધસમસતી વીજળી આકાશમાંથી ત્રાટકી હતી. આ દરમિયાન આગ પણ લાગી હતી. જે ખેલાડી પર વીજળી પડી તે જમીન પર જ ઢળી પડ્યો હતો જ્યારે ધડાકાને કારણે દૂર ઉભેલો બીજો ખેલાડી પણ પડી ગયો હતો. બાકી ખેલાડીઓ પોતાને બચાવવા માટે જમીન પર સૂઈ ગયા હતા જ્યારે અમુક બહાર તરફ ભાગ્યા હતા. થોડા સમય બાદ ઘાયલ ખેલાડી પાસે અન્ય ખેલાડી પહોંચ્યા ત્યારે તે ખેલાડીનો શ્વાસ ચાલી રહ્યો હતો જેથી તેને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.