આયર્લેન્ડે પાકિસ્તાનને કરી દીધું ધૂળ ચાટતું !
૧૭ વર્ષ બાદ ટી-૨૦માં મેળવી જીત
પાકિસ્તાનની ટી-૨૦ વર્લ્ડકપની તૈયારીને જોરદાર ફટકો લાગ્યો છે. આયર્લેન્ડ પ્રવાસે પાકિસ્તાનને ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં પરાજય મળ્યો છે. આ મુકાબલાને આયર્લેન્ડે પાંચ વિકેટે પોતાના નામે કર્યો હતો. ૨૦૦૭ બાદ પહેલી વખત આયર્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું છે. ત્યારે વર્લ્ડકપ મેચમાં આયર્લેન્ડે જીત હાંસલ કરી હતી. આ મેચમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં ૬ વિકેટે ૧૮૨ રન બનાવ્યા જવાબમાં આયર્લેન્ડે એક બોલ બાકી રાખી પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને બીજી ઓવરમાં મોહમ્મદ રિઝવાન રનઆઉટ થઈ ગયો હતો. બાબર આઝમ ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતર્યો. પાવરપ્લેમાં પાકિસ્તાનની ટીમ ૩૮ રન જ બનાવી શકી હતી જેમાં બાબરનું યોગદાન ૧૯ દડામાં ૧૫ રનનું હતું. તેણે ૩૯ બોલમાં પોતાની ૩૫મી ફિફટી બનાવી હતી. સઈમ આયૂબે બીજી વિકેટ માટે બાબર સાથે ૮૫ રનની ભાગીદારી કરી હતી. આયૂબે ૨૯ દડામાં ૪૫ રન બનાવ્યા હતા. અંતમાં ઈફ્તિખાર અહમદે ૧૫ દડામાં ૩૭ રનની ઝડપી ઈનિંગ રમી ટીમને ૧૮૨ રન સુધી પહોંચાડી હતી.
આયર્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી પરંતુ બલબર્નિ, હૈરી ટેકરે વચ્ચે ત્રીજી વિકેટની ૭૭ રનની ભાગીદારી જીત માટે કારણભૂત રહી હતી. અંતિમ ઓવરમાં આયર્લેન્ડને ૧૧ રન જોઈતા હતા અને કર્ટિસ કેમ્પરે બે ચોગ્ગા અને બે રન લઈ લીધા તો પાંચમો દડો લેગ બાઈના રનમાં જતાં આયર્લેન્ડે મેચ જીતી લીધી હતી.
