આજે ભારતની બાંગ્લાદેશ-પાકિસ્તાન સામે ટક્કર !
ટી-૨૦ વર્લ્ડકપમાં મહિલા ટીમ પાકિસ્તાન સામે તો પુરુષ ટીમ બાંગ્લાદેશ સામે રમવા ઉતરશે
બપોરે ૩:૩૦ વાગ્યાથી મહિલા, સાંજે ૭ વાગ્યાથી પુરુષ ટીમનો મુકાબલો
આજે ભારતની મહિલા અને પુરુષ એમ બન્ને ટીમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે ટક્કર લેવા માટે મેદાને ઉતરશે. આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમનો પ્રારંભ સારો રહ્યો ન્હોતો અને પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે કારમો પરાજય થયો હતો. હવે આજે તે પાકિસ્તાન વિરુદ્ધ રમશે. ભારતે કોઈ પણ ભોગે પાકિસ્તાનને હરાવવું પડશે તો જ તે ટૂર્નામેન્ટમાં `જીવંત’ રહી શકશે. બીજી બાજુ પાકિસ્તાની ટીમે શ્રીલંકાને રોમાંચક મુકાબલામાં હરાવ્યું હોવાથી તેનો આત્મવિશ્વાસ પણ સાતમા આસમાને છે. આ મુકાબલો બપોરે ૩:૩૦ વાગ્યાથી દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાશે.
આ જ રીતે ભારતીય પુરુષ ટીમ બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની પહેલી મેચ રમવા ઉતરશે. આ મેચ સાંજે ૭ વાગ્યાથી ગ્વાલિયરમાં રમાશે. ટીમ ઈન્ડિયા ૧૪ વર્ષ બાદ ગ્વાલિયરમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. અગાઉ ૨૦૧૦માં ભારત-આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. આ વન-ડે મેચ હતી જેમાં સચિન તેંડુલકરે ડબલ સદી બનાવી રેકોર્ડ બનાવ્યો હતો. જો કે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ નવા સ્ટેડિયમ પર રમાશે. ટીમ ઈન્ડિયા સર્યૂકુમાર યાદવની આગેવાનીમાં ઉતરશે. ભારતે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં આસાનીથી હરાવી દીધું હતું પરંતુ ટી-૨૦માં તેને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે.