આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ: પીચ જોઈ સ્ટોક્સ ડરી ગયો !
કેપ્ટન સ્ટોક્સે કહ્યું, મેં આવી પીચ ક્યારેય નથી જોઈ, બહુ જ તીરાડ છે: ભારત ચાર સ્પીનરો સાથે ઉતરી શકે
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો ચોથો મુકાબલો આજથી ઝારખંડના રાંચીમાં રમાશે. સવારે ૯:૩૦ વાગ્યાથી શરૂ થનારી આ મેચ માટે બન્ને ટીમ જોરદાર તૈયારી કરી રહી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ૨-૧થી આગળ છે આવામાં આ મેચ જીતી જશે તો શ્રેણી પોતાના નામે કરી લેશે એટલા માટે જ ઈંગ્લેન્ડ આ મેચમાં કોઈ પ્રકારનું કાચું કપાઈ ન જાય તેનું ધ્યાન રાખી રહ્યું છે. બીજી બાજુ આ શ્રેણીમાં પીચને લઈને ખૂબ જ વાતો થઈ રહી છે.
હૈદરાબાદમાં પહેલી ટેસ્ટમાં પીચ સ્પીન બનાવાઈ હતી પરંતુ ભારત પોતાની જ જાળમાં ફાઈ ગયું હતું અને ઈંગ્લેન્ડ આ મેચ જીત્યું હતું. જ્યારે વિશાખાપટ્ટનમ અને રાજકોટની સપાટ પીચ ઉપર ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવ્યું હતું. હવે રાંચીમાં પીચને લઈને કેપ્ટન બેન સ્ટોક્સે ચર્ચામાં નવો મસાલો ઉમેર્યો છે. સ્ટોક્સે કહ્યું કે મેં અગાઉ ક્યારેય રાંચીમાં આ પ્રકારની પીચ જોઈ નથી !
ઈંગ્લેન્ડના વાઈસ કેપ્ટન ઓલી પોપે રાંચીની પીચમાં તીરાડ હોવાની વાત કહી હતી. તેનું કહેવું હતું કે સ્પીનર્સને અહીં ઘણી મદદ મળી શકે છે અને ભારત આ મેચમાં ચાર સ્પીનર સાથે ઉતરી શકે છે. હવે સ્ટોક્સે કહ્યું કે પીચ રસપ્રદ લાગી રહી છે. મને આ બાબતે વધુ ખબર નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે મેં આવી પીચ ક્યાંય જોઈ નથી.
સ્ટોક્સે કહ્યું કે ચેન્જીંગ રૂમમાં ઉભા રહીને પીચ જુઓ તો તમને લીલીછમ જોવા મળશે પરંતુ જેવા નજીક જશો તો કંઈક અલગ જ થઈ જાય છે ! પીચમાં ઘણી જ તીરાડ છે.
મુકાબલા માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર
બેન સ્ટોક્સ (કેપ્ટન), જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, જૉની બેરિસ્ટો, બેન ફોક્સ, ટૉમ હાર્ટલે, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન, શોયેબ બશીર