આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ શ્રેણીની જમાવટ
બે વર્ષથી ભારતીય ટીમ ઘરમાં હારી રહી છે, ઈંગ્લેન્ડ સામે જીત મળ્યાને પાંચ વર્ષ વીતી ગયા: સાંજે ૭ વાગ્યાથી મુંબઈમાં મુકાબલો
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાછલા થોડા સમયથી કરેલા શ્રેષ્ઠ પ્રદર્શનમાંથી પ્રેરણા લઈને ઈંગ્લેન્ડ વિરુદ્ધ દ્વિપક્ષીય રેકોર્ડને સુધારવાના ઈરાદાથી આજથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમવા ઉતરશે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે ટી-૨૦ ફોર્મેટમાં ઉમદા પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ભારતે બાંગ્લાદેશમાં ૨-૧થી જીત મેળવી તો આફ્રિકા તેમજ વિન્ડિઝ વિરુદ્ધ ત્રિકોણીય શ્રેણીના ફાઈનલમાં પહોંચી હતી. બીજી બાજુ દુનિયાની બીજા નંબરની ટીમ ઈંગ્લેન્ડ શ્રીલંકા સામે ૧-૨થી મળેલા પરાજયને ભૂલાવીને નવેસરથી શરૂઆત કરવા ઉતરશે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતે નવમાંથી માત્ર બે મેચ જીતી છે. અંતિમ જીત પાંચ વર્ષ પહેલાં માર્ચ-૨૦૧૮માં મળી હતી જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમ પર આઠ વિકેટે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અત્યાર સુધી ભારતીય મહિલા ટીમે ૨૭ મેચ રમી છે જેમાંથી જીતી માત્ર ૮ જ છે.
ભારતીય મહિલા ટીમે છેલ્લે પોતાના ઘરમાં ટી-૨૦ મેચ માર્ચ-૨૦૨૧માં આફ્રિકા વિરુદ્ધ લખનૌમાં જીતી હતી. ત્યારબાદથી ભારત પોતાના દેશમાં ચાર મેચ હારી ચૂક્યું છે અને એક મુકાબલો ટાઈ રહ્યો છે. ભારતે ઘરેલું ૫૦ ટી-૨૦ મેચમાંથી માત્ર ૧૯ જીતી છે અને ૩૦માં તેનો પરાજય તો એક ટાઈ રહી છે.