અય્યર મામલે યુ-ટર્ન લેશે BCCI
ફરી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા વિચારણા
રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ ૪૨મી વખત ચેમ્પિયન બની છે. ફાઈનલમાં એ ખેલાડીએ મહત્ત્વનું યોગદાન આપ્યું જેના ઉપર પાછલા મહિના સુધી ગંભીર આરોપ લાગી રહ્યા હતા અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને સજા આપી હતી. આ ખેલાડીનું નામ શ્રેયસ અય્યર છે જેણે ફાઈનલમાં ૯૫ રનની ઈનિંગ રમી હતી જેના કારણે હવે તેને બોર્ડ તરફથી ઈનામ મળવાનું છે. અહેવાલો પ્રમાણે બોર્ડ અય્યરના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગે પુન: વિચારણા કરી શકે છે. મુંબઈ માટે રણજી ટ્રોફીમાં સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમ્યા બાદ ભારતીય બોર્ડ અય્યરને ફરીથી કોન્ટ્રાક્ટ આપી શકે છે. બીસીસીઆઈએ પાછલા મહિને જ પોતાનું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં અય્યર અને ઈશાન કિશનને બહાર કરાયા હતા.
આ બન્ને ખેલાડીઓને રણજી ટ્રોફીમાં ન રમવાને કારણે બહાર કરાયા હતા. બોર્ડના સચિવ જય શાહે ખુદ ખેલાડીઓને રણજી ટ્રોફીમાં રમવા માટે કહ્યું હતું પરંતુ ઈશાન કિશન હાર્દિક પંડ્યા સાથે વડોદરામાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો તો શ્રેયસ અય્યર પણ મુંબઈ વતી રમવા પહોંચ્યો ન્હોતો. એ સમયે શ્રેયસે પીઠમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી જેના કારણે બોર્ડે તેને પણ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દીધો હતો. આ પછી શ્રેયસે રણજી ટ્રોફીના સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમતા બોર્ડ અધિકારી તેનાથી સંતુષ્ટ થઈ ગયા છે.