હા, ન્યુયોર્કની પીચ ખતરનાક છે: ICCએ કર્યો સ્વીકાર !
પીચને સુધારવા માટે મહેનત ચાલી રહ્યાનો દાવો
નાસાઉ કાઉન્ટીની ખતરનાક પીચ ટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન ચિંતાનો વિષય બની ગઈ છે. હવે આઈસીસીએ પણ સ્વીકાર કર્યો કે આ પીચ આશા પ્રમાણે રહી નથી. ભારત-આયર્લેન્ડ વચ્ચેની મેચ બાદ પીચને લઈને ચિંતા વ્યક્ત કરાઈ હતી. આ મેચમાં રોહિત અને ઋષભને ઈજા થઈ હતી.
હવે આઈસીસીએ પીચને લઈને સ્પષ્ટતા કરી છે કે નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ઉપયોગ કરાયેલી પીચે એવું વર્તન નથી કર્યું જેવું અમે ઈચ્છતા હતા. સ્થિતિમાં સુધાર અને બાકી બચેલી મેચમાં સર્વશ્રેષ્ઠ પીચ ઉપલબ્ધ કરાવવા માટે મેદાનકર્મીઓની વિશ્વ સ્તરની ટીમ અથાગ મહેનત કરી રહી છે.
ટી-૨૦ વર્લ્ડકપમાં ન્યુયોર્કની ડ્રોપ ઈન પીચની બહુ જ ટીકા થઈ રહી છે. ભારતે અહીં હજુ બે મેચ રમવાની છે જેમાં ૯ જૂને ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર પણ સામેલ છે. અમુક નિષ્ણાતોનું માનવું છે કે આ પીચ તાજી છે તેના ઉપર ઘાસ છે પરંતુ તીરાડ બહુ મોટી છે. આ પ્રકારની પીચ પર પહેલાં પ્રેક્ટિસ મેચ રમવાની જરૂર હતી. આ ટી-૨૦ની પીચ નથી અને અહીંની ચારેય પીચ એવી જ છે.