રણછોડનગરમાં યુવાનનું કૌટુંબિક કાકા સાથે મારામારી બાદ મોત
મસ્તીમાં મોબાઈલ છુપાવી દેવાય મામલે થયેલી માથાકૂટમાં બનેલો બનાવ
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી
રણછોડનગર-૬માં ભાડાની રૂમમાં રહેતાં મુળ રાજસ્થાનના ધોલપુર જીલ્લાના રેવીયાપુરા ગામના હરવિરસિંહ રામબ્રીજસિંહ પરમાર (ઉ.વ.૨૦)નેરૂમ પાર્ટનર એવા કૌટુંબિક કાકા દોલતરામ દિનદયાલ પરમાર સાથે કાકાનો મોબાઇલ ફોન છુપાવી દેવા મામલે મસ્તી મજાકમાં માથાકુટ થતાં બંને વચ્ચે ઝપાઝપી થયા બાદ કાકાએ ભત્રીજાનો કાંઠલો પકડી ખેંચતા અને એકાદ બે ઢીકા મારતાં તેની હાલત બગડી હતી અને સારવારમાં દાખલ કરાયા બાદ તેનું મોત થયું હતું.તેનું મોત મારકુટથી થયું કે કે હૃદય બેસી જતાં થયું? તે જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. હાલ પુછતાછ માટે દોલતરામને બેસાડી દેવાયો છે. પીઆઇ આર. જી. બારોટ અને સ્ટાફે તપાસ યથાવત રાખી છે.
મૃત્યુ પામનાર હરવિરસિંહ પરમાર ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે સુરતમાં કૂરીયરમાં કામ કરતો હતો. રાજકોટ રણછોડનગરમાં જ પિતાંબર કૂરીયર ચલાવતાં અશ્વીની મદનમોહન શર્માનો એક કારીગર સાતેક દિવસ પહેલા તેની ઘરવાળીને ડિલીવરી આવતાં વતનમાં ગયો હોઇ અશ્વીનીએ પોતાના જ વતનના હરવિરસિંહને વાત કરતાં તે સાત દિવસ પહેલા જ રાજકોટ આવી અશ્વીનીના કૂરીયરમાં કામે જોડાયો હતો.હરવિંરસિંહનો કુટુંબી કાકો દોલતરામ પણ અશ્વીની સાથે જ કામ કરતો હોઇ તે અને રણછોડનગરના રૂમમાં ત્યાં જ સાથે રહેતો હતો. બનાવની જાણ થતાં મૃતક હરવિરસિંહના પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા હતાં.