રાજકોટમાં યુવાનને ડેંગ્યુ ભરખી ગયો
ખાનગી હોસ્પિટલમાં પાંચ દિવસથી હતો દાખલ: શહેરમાં ડેંગ્યુના વધુ ૧૦ કેસ મળ્યા
રાજકોટમાં તહેવારો ટાણે જ રોગચાળાએ રફ્તાર પકડી લીધી હોવાથી લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. બીજી બાજુ ડેંગ્યુને કારણે હવે મોત પણ થવા લાગતાં ચિંતા વધુ ઘેરી બની છે. દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી સારવાર હેઠળ રહેલા યુવાનનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે. બીજી બાજુ ડેંગ્યુ સહિતના રોગચાળાના કેસ પણ કાબૂમાં આવી રહ્યા ન હોય તંત્ર સામે મોટો પડકાર આવી પડ્યો છે. મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રોગચાળાના આંકડા પ્રમાણે એક સપ્તાહમાં ડેંગ્યુના વધુ ૧૦ કેસ મળ્યા છે.
તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે તા.૧૬-૧૦-૨૦૨૩થી તા.૨૨-૧૦-૨૦૨૩ સુધીના સાત દિવસમાં ડેંગ્યુના ૧૦ (વર્ષના ૧૨૯), મેલેરિયાનો ૧ (વર્ષના ૩૧), ચિકનગુનિયાનો ૧ (વર્ષના ૫૦) તેમજ ટાઈફોઈડના ૨ (વર્ષના ૧૩) દર્દી મળી આવ્યા છે. આવી જ રીતે શરદી-ઉધરસના ૮૦૫ (વર્ષના ૧૫૬૧૩), સામાન્ય તાવના ૬૭ (૧૮૦૩) અને ઝાડા-ઊલટીના ૨૦૯ (વર્ષના ૫૧૯૭) દર્દી મળી આવ્યા છે. જો કે આ આંકડા માત્ર મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ તેમજ નક્કી કરાયેલા દવાખાનાઓમાંથી જ લેવામાં આવ્યા હોય જો તમામ હોસ્પિટલોનો આંકડો એકઠો કરવામાં આવે તો રોગચાળો ઘણો જ ચિંતાજનક હોવાનું લોકો માની રહ્યા છે.