ઈશ્વરીયા પાર્કમાં તળાવની પાળે બેસવાનો લ્હાવો મળશે
કેક્ટ્સ ગાર્ડન, વોક-વે સહિતની સુવિધા ઉપરાંત ટિકિટના દરમાં ઘટાડો કરવા વિચારણા : સ્ટુડન્ટ્સ માટે ટેન્ટ હાઉસ નાઈટ હોલ્ટની સુવિધા માટે પણ પ્લાનિંગ
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત વાઈલ્ડ ફ્લાવર વેલી ઈશ્વરીયા પીકનીક પાર્કમાં તળાવનું બ્યુટીફીકેશન કરી જામનગર તળાવની પણ જેવી સુવિધા, કેક્ટ્સ ગાર્ડન, વોક-વે, સ્ટુડન્ટ્સ માટે ટેન્ટ હાઉસ નાઈટ હોલ્ટની સુવિધા સહિતની બાબતો વિચારણા ઉપર લેવામાં આવી હોવાનું અને ટિકિટના દર ઘટાડવા માટે પણ નિર્ણય લેવાઈ શકે તેમ હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
રાજકોટની ભાગોળે આવેલ ઈશ્વરીયા પાર્કના તળાવમાં પાણીની સપાટી ઘટી ગઈ છે ત્યારે તળાવમાં ફેલાયેલ ગાંડી વેલનું સામ્રાજ્ય દૂર કરવા માટે તંત્ર દ્વારા તળાવનું હયાત પાણી ખાલી કરવા મહાનગર પાલિકાની મદદ લેવામાં આવશે, જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઈશ્વરીય પાર્કના બ્યુટીફીકેશન અને વિકાસ બાબતે મિટિંગ મળી હતી જેમાં ઈશ્વરીયા પાર્કમાં આવતા સહેલાણીઓને તળાવની પાળે બેસવાનો આનંદ મળે તે માટે ફરતે વોક-વે બનાવવાની સાથે પાર્કમાં કેક્ટ્સ ગાર્ડન તેમજ સાયન્સ સિટીમાં આવતા સ્ટુડન્ટ્સ માટે નાઈટ હોલ્ટની સુવિધા ઉભી કરી ટેન્ટ હાઉસ માટે વિચારણા કરવામાં આવી હતી.
વધુમાં હાલમાં ઈશ્વરીયા પાર્કમાં હરવા ફરવા આવતા લોકોને સવારના 10 વાગ્યાથી એન્ટ્રીને આપવામાં આવે છે અને સાંજના 7 વાગ્યે એન્ટ્રી બંધ કરવામાં આવે છે. જેમાં પાર્કમાં નવી સુવિધા ઉભી કરાયા બાદ રાતના બે કલાક જેવો સમય પણ વધારવામાં આવશે.સાથે જ ઈશ્વરીયા પાર્કમાં નવા નઝરાણા ઉભા કરવાની સાથે ટિકિટના દરમાં પણ ઘટાડો કરવા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
