સદર બજારમાં વીજ લાઇન રીપેર કરતાં કમર્ચારીનું વીજ શોકથી મોત
પીજીવીસીએલમાં આઠ વર્ષથી હેલ્પર તરીકે ફરજ બજાવતા આધેડ ટીસીમાં ફોલ્ટ રીપેર કરવાં ચડ્યા અને પાવર ચાલુ થતાં કરંટ લાગ્યો
રાજકોટમાં સદર બજારમાં આવેલ ટીસીમાં ફોલ્ટ રીપેર કરવાં ગયેલા પીજીવીસીએલના કર્મચારીને વિજ કરંટ લાગતાં ત્યાં જ ચોંટી ગયાં હતાં.ઘટનાની જાણ થતાં જ ફાયરનો સ્ટાફ રેસ્ક્યૂ માટે દોડી આવ્યો હતો. અને વિજકર્મીને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયા પણ ટૂંકી સારવારમાં જ દમ તોડતાં તેઓનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં પોપટપરામાં આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતાં નરેન્દ્રભાઈ ગોવિંદભાઇ જાદવ (ઉ.વ.41) પીજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓની ફરજ 66 કેવી સદર બજારમાં હોય છે, સોમવાર રાત્રીના સમયે સદર બજારમાં વિજ ફોલ્ટ આવતાં તેઓ ટીમ સાથે સદર બજારમાં આવેલ ભારત ફ્રૂટની સામે આવેલ ટીસી પર પહોંચ્યા હતાં અને લાઈનનો વિજ પાવર કટ કરી તેઓ ટીસી પર ફોલ્ટ રીપેર કરવાં માટે ચડ્યા હતાં.દરમિયાન રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ તેઓ રીપેરીંગ કામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વિજ પાવર શરૂ થતાં તેઓનેવિજ કરંટ લાગ્યો હતો અને ત્યાં જ વિજ તાર સાથે ચોંટી ગયાં હતાં.ઘટનાસ્થળે હાજર અન્ય સ્ટાફે તાત્કાલિક પાવર બંધ કરાવી ઘટનાની જાણ ફાયરની ટીમને કરતાં તેઓ દોડી આવ્યા હતા.અને નરેન્દ્રભાઈને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવારમાં પ્રથમ ગિરિરાજ હોસ્પિટલ અને બાદમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્ર.નગર પોલીસ સ્ટાફે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે,મૃતક નરેન્દ્રભાઈ છેલ્લા આઠ વર્ષથી પીજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતાં.તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.તેમના પિતા નિવૃત રેલ્વે કર્મચારી હતાં. જેમનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરક થયો છે.