વડાપ્રધાનના માર્ગદર્શન, નીતિ અને સહકારથી આજે રાજકોટ સહિત ગુજરાતમાં સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે: ભૂપેન્દ્ર પટેલ
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ સહિત જુદા-જુદા શહેરોમાં નિર્માણ પામેલી પાંચ એઇમ્સનું લોકાર્પણ ઉપરાંત કરોડો રૂપિયાના વિકાસના કામોની ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને ભેટ આપી હતી. આ તકે રેસકોર્સમાં યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાનના સંબોધન પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે, રાજકોટ માટે આજે મહત્વનો દિવસ છે. રાજ્યના લોકોને ઘર આંગણે મેડિકલ સુવિધાઓ મળી છે. વડાપ્રધાનના માર્ગદર્શન, નીતિ અને સહકારથી આજે રાજકોટ સહિત ગુજરાતમાં સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે.
રાજકોટને એઇમ્સની સુવિધા મળતા તેનો લાભ ગરીબો, વંચીતો, જરૂરિયાતમંદોને મળશે. આરોગ્ય સવેઆ સરળ અને શુલભ બનશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં વડાપ્રધાને ગરીબ, યુવા, નારી શક્તિને મહત્વના સ્તંભ કહ્યા છે. રાજકોટને એઇમ્સ મળવાથી રાજકોટ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા અને સુવિધાઓ સાકાર થવાની છે. હેલ્થ ઇન્ફ્રા સ્ટ્રક્ચરનો વધારો થવાથી મેડિકલની બેઠકો વધશે અને યુવાનોને ઘર આંગણે જ મેડિકલ, એજ્યુકેશન અને ઉચ્ચ અભ્યાસની તક મળતી થશે. આ ડબલ એન્જિનની સરકાર 2047ના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.