શિયાળાએ જમાવટ કરી, રાજકોટમાં 11.8 ડિગ્રી
ગિરનાર ઉપર 6.9 ડિગ્રી : લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો ઘટાડો
રાજકોટ : જમ્મુ કશ્મીરમાં હિમવર્ષા સાથે ફૂંકાઈ રહેલા ઠંડા પવનના કારણે રાજકોટ સહિત રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ચારથી પાંચ ડિગ્રી નીચે ઉતરી જતા કડકડતી ઠંડી સાથે શિયાળાએ જમાવટ કરતા સોમવારે દિવસભર લોકોએ સ્વેટર-ટોપી પહેરી ખરેખરા શિયાળાનો અનુભવ કર્યો હતો, નોંધનીય છે કે હજુ પણ લઘુતમ તાપમાનમાં ચારેક ડિગ્રી ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવની સ્થિતિ બાદ સોમવારે રાજકોટ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીના અનુભવ સાથે શિયાળાએ જમાવટ કરી હતી. ગઈકાલે રાજકોટમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહ્યા બાદ સોમવારે લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી થઇ ગયું હતું, સાથે જ ગઈકાલે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સામે સોમવારે રાજકોટમાં 27.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા દિવસ ભર લોકોને સુસવાટા મારતા પવનો વચ્ચે ઠંડીનો અનુભવ થયો હતો. સોમવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન માત્ર 6.9 ડિગ્રી, જુનાગઢ શહેરમાં 11.9 ડિગ્રી તેમજ અમરેલીમાં 13.7 ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં એક લો પ્રેશર સર્જાયું છે અને તેમાંથી સાયકલોનિક સકર્યુલેશન પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમ દરિયામાં વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહી છે અને તારીખ 11 ના રોજ શ્રીલંકા તથા તામિલનાડુ વચ્ચેના દરિયા કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે ત્યારે રાજ્યમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.