સીલ થયેલી શાળા આવતીકાલે ખુલશે કે નહીં ? આજે નિર્ણય
સાંજ સુધીમાં સરકાર દ્વારા નવી SOP આવી જશે: સૌથી પહેલા સ્કૂલને ખોલવા પ્રાથમિક્તા ત્યારબાદ હોસ્પિટલ સામે ઘટતું કરાશે
રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા મહાપાલિકા દ્વારા કોમન માર્ગદર્શિકા તૈયાર કરાશે: મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈ
અગ્નિકાંડ બાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મહાપાલિકા દ્વારા સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ સહિતના સંકુલો કે જ્યાં ફાયર એનઓસી અને બીયુ પરમીશન ન હોય તો ધડાધડ સીલ મારવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આવતીકાલથી શાળાઓનું વેકેશન ખુલી રહ્યું હોય રાજકોટમાં ૧૦૦થી વધુ શાળાને સીલ લાગી ગયા છે ત્યારે આ શાળાઓ કાલથી શરૂ થશે કે નહીં તેને લઈને સ્કૂલ સંચાલકો તેમજ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. દરમિયાન આ અંગે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે આ માટે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ જશે.
તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત મહાપાલિકા હેઠળ આવતી મિલકતોમાં લાગેલા સીલ કેવી રીતે ખોલવા તેને લઈને એક સંયુક્ત એસઓપી (માર્ગદર્શિકા) તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. સંભવત: આજે સાંજ સુધીમાં તેની જાહેરાત થઈ ગયા બાદ તેના આધારે સીલ ખોલવા કે નહીં તેનો નિર્ણય લેવાઈ જશે.
બીજી બાજુ સરકાર દ્વારા એસઓપીમાં મોટા ભાગે સીલ ખોલવાની કાર્યવાહી કેવી રીતે ઝડપથી થઈ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવી શકે છે. ખાસ કરીને કોઈ મિલકતમાં ફાયર સેફ્ટીના સાધનો હોય તો તેની તુરંત ચકાસણી કરવા, કોઈ મિલકત દ્વારા ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ અરજી કરાઈ હોય તો તે મિલકત વાસ્તવિક રીતે ઈમ્પેક્ટ ફીના દાયરામાં આવે છે કે નહીં તેની ફટાફટ ચકાસણી કરવા ઉપરાંત એનઓસી અને બીયુપી ઝડપથી ઈશ્યુ-રિન્યુ થાય તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવશે.
ટીપી-ફાયર વિભાગમાં સ્ટાફ ઓછો
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ એમ પણ જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગમાં સ્ટાફની તાતી અછત વર્તાઈ રહી છે. જે રીતે દરરોજ કામગીરીનું ભારણ વધી રહ્યું છે તેને જોતાં સ્ટાફની અછત નોંધપાત્ર છે. આ જ કારણથી કામગીરીમાં વિલંબ થવાની શક્યતા પણ રહે છે આમ છતાં ક્યાંય પણ બ્રેક ન લાગે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.