સંસદમાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવીશ: રાહુલ ગાંધી
રાજકોટના પીડિત પરિવારો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરતાં કોંગી નેતા
બ્લાસ્ટ કેવીરીતે થયો, ફાયર બ્રિગેડ કેટલી વારમાં પહોંચ્યું, કોંગ્રેસે અત્યાર સુધી શું શું કર્યું સહિતની વિગતો માંગી
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઘટનાનું અતથી ઈતિ સુધીનું કર્યું વર્ણન
પીડિતોને ન્યાય મળી રહે તે માટે કોંગ્રેસને દરેક પ્રકારની લડત ચલાવવા આહ્વાન
રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ હવે તેની ગુંજ સંસદમાં સંભળાવાની છે. આ કાંડમાં ૨૭ નિર્દોષ લોકો ભુંજાઈ ગયા બાદ પરિવાર ન્યાય માટે દર દર ભટકી રહ્યો છે પરંતુ સરકાર હજુ સુધી આ કાંડ પાછળ જવાબદારોની જવાબદારી નક્કી કરી શકી નથી. કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવી લઈને અત્યાર સુધી ન કર્યું હોય તેવું આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસે `એક’ થઈને જવાબદારોને સજા અને પીડિતોને ન્યાય મળે તે માટે એલાન-એ-જંગનું એલાન કર્યું છે અને મંગળવારે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાનું એલાન કરતાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા રાહુલ ગાંધીને અગ્નિકાંડ કેવી રીતે સર્જાયો તે અંગે માહિતી આપવામાં આવી હતી. મેવાણીએ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે બનેલા ગેઈમ ઝોનમાં આગ લાગતાં ૩૦૦૦ ડિગ્રી તાપમાનમાં લોકો ભુંજાઈ ગયા હતા. આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય, સાંસદ કે સ્થાનિક નેતા કોઈ વાત કરવા તૈયાર થઈ રહ્યા નથી અને પીડિતો સાથે પણ કોઈ પ્રકારની વાતચીત કરતા નથી. કોંગ્રેસ દ્વારા આ કેસ ફાસ્ટ ટે્રક કોર્ટમાં ચાલે તે સહિતની માંગણી સાથે લડત ચલાવાઈ રહી છે.
ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધી સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાત કરતા કહ્યું કે ગેઈમ ઝોનમાં એન્ટ્રી-એક્ઝિટનો એક જ ગેઈટ હતો. આ ઉપરાંત બાંધકામ સંપૂર્ણ ગેરકાયદેસર હતું. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કેન્ડલ માર્ચ, ત્રણ દિવસના અનશન સહિતના વિરોધાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની માંગ છે કે સુપ્રીમ-હાઈકોર્ટના નિવૃત્ત જજના નેજા હેઠળ ભ્રષ્ટાચારનો એક પણ દાગ ન લાગ્યો હોય તેવા અધિકારીઓની એક કમિટી બને અતે તેના દ્વારા તપાસ કરવામાં આવે.
આ પછી રાહુલ ગાંધીએ અગ્નિકાંડમાં મોતને ભેટેલા આશાબેનના પરિવારજન સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ભાજપ દ્વારા તેમની કોઈ જ મદદ કરાઈ રહી નથી.
રાહુલ ગાંધીએ ફાયર બ્રિગેડ કેટલી વારમાં ત્યાં પહોંચ્યું, બ્લાસ્ટ કેવી રીતે થયો, કોંગ્રેસે અત્યાર સુધી શું શું કર્યું તે સહિતના મુદ્દે ચર્ચા કર્યા બાદ કહ્યું હતું કે આ મામલે તંત્ર પણ નિષ્પક્ષ દબાણ લાવવા માટે કોંગ્રેસે તમામ પ્રયાસ કરવા જ જોઈએ સાથે સાથે પીડિતોને વધુ વળતર મળે તે માટે પણ અવાજ ઉઠાવવો જોઈએ. આ પછી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ મુદ્દેને સંસદમાં ઉછાળવામાં આવશે. આગામી ૨૪ જૂનથી ૩ જૂલાઈ સુધી સંસદનું ખાસ સત્ર મળી રહ્યું છે જેમાં આ મુદ્દો ઉઠાવાશે.