શાળામાં ભગવદગીતાના પાઠ નવી પેઢીમાં સંસ્કારનું સિંચન કરશે?
- ભગવદગીતા, અદ્વિતીય, અલૌકિક છે અને સર્વ ધર્મનો સાર છે
તાજેતરમાં ગીતા જયંતિના દિવસે રાજય સરકારે એક મહત્વનો નિર્ણય લઈને ધો.6 થી 12 ના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરી હતી. ભગવદ ગીતા સનાતન ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે અને હવે આ જ ભગવદગીતાના મૂલ્યો અને સિદ્ધાંત ગુજરાતમાં ભણાવાશે.
શરૂઆતના તબક્કે ધોરણ 6 થી 8 અને ત્યારબાદ ધોરણ 12 સુધી ગીતાજીના મૂલ્યો અને સિદ્ધાંત ભણાવવામાં આવશે. શિક્ષણ વિભાગે ગીતાજીના સંસ્કૃત શ્લોકને ગુજરાતીમાં અનુવાદિત કર્યા છે અને સરકારે જે પુસ્તક તૈયાર કર્યુ તેમા સચિત્ર માહિતી પણ છે જેથી વિદ્યાર્થીઓને રસ પડે. યોજના અને પહેલ ઘણી સારી છે પરંતુ સાથે સાથે એવો સવાલ ઉઠ્યો છે કે, ભગવદગીતાના શાળામાં પાઠ શિખવવાથી પેઢીઓમાં સંસ્કારોનું સિંચન થશે કે નહીં?
સરકારે ભગવદગીતાના પાઠ ભણવાના અનેક ફાયદા ગણાવ્યા. વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ મળે તેવો હેતુ છે. ભગવદગીતા ભણવાથી વિદ્યાર્થીઓને અનેક સવાલોના જવાબ મળશે.
ભગવદગીતા મૂળ સ્મૃતિગ્રંથ છે. મૂળ ભગવદગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. ભગવદગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ભગવદગીતાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 3066 આસપાસ મનાય છે. અપવાદને બાદ કરતા મોટાભાગના શ્લોક અનુષ્ટુપ છંદમાં છે. ભગવદગીતાનો હાર્દ એ છે કે માનવજીવન એક યુદ્ધ છે. યુદ્ધમાં દરેકે લડવું પડે છે એ પણ પીછેહઠ કર્યા વગર. ભગવદગીતા સાચો રસ્તો બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે.
ગીતાના સિદ્ધાંતો એટલે ભગવાનની વાણી છે. દુનિયા ગીતાના સિદ્ધાંતોના આધારે જ કામ કરી રહી છે. ગીતાનો ગ્રંથ દરેકને સુખ આપનારો છે. સિલેબસ રસપ્રદ બનાવવા ઘણી મહેનત કરી છે. ગીતાજીના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓનો તણાવ ઘટશે. આત્મહત્યાના કેસમાં પણ ઘટાડો થશે. અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો. ભગવદગીતાનું જ્ઞાન દરેકને કામ લાગશે. ગીતા સર્વ ધર્મનો સાર છે અને વિદ્યાર્થીઓમાં સંસ્કારનું અવશ્યપણે સિંચન થશે.
સ્વામી વિવેકાનંદે ગીતાનું મહત્વ દુનિયાને સમજાવ્યું હતું
આજથી 130 વર્ષ પહેલાના ભૂતકાળ ઉપર નજર કરીએ. પ્રસંગ હતો શિકાગોમાં મળેલી સમગ્ર વિશ્વની ધર્મપરિષદનો. આ ધર્મપરિષદમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા સ્વામી વિવેકાનંદ. ધર્મપરિષદમાં તમામ ધર્મના પ્રતિનિધિઓ હતા અને મંચ ઉપર દરેક ધર્મનો પોતાનો ગ્રંથ હતો. અન્ય ધર્મના પ્રતિનિધિની ભગવદગીતા ઉપર નજર પડી જે તમામ પુસ્તકોના બંચમાં સૌથી નીચે હતું. પ્રતિનિધિએ સ્વામીજીને કહ્યું કે આપના ધર્મનો ગ્રંથ સૌથી નીચે છે અને પછી અટ્ટહાસ્ય કર્યુ.
સ્વામી વિવેકાનંદ સહેજ પણ વિચલિત થયા વગર બોલ્યા કે આપની વાત સાવ સાચી છે. પરંતુ જો હું નીચે રાખેલી ગીતાને ખસેડી લઈશ તો ઉપર રહેલા તમામ ગ્રંથો નીચે પછડાઈ જશે. ત્યાર પછી તો શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદનું યાદગાર ભાષણ દુનિયાને યાદ જ છે. સમગ્ર ઘટનાક્રમમાં ભગવદગીતાનું મહત્વ જે સામે આવ્યું તેની કોઈ સીમા નથી.