રાજકોટ શહેર પ્રમુખ કોને બનાવવા ? પ્રદેશમાં ૨૯ નામ ઉપર આજે મંથન
બપોરે ૧૨ વાગ્યાથી કમલમ્માં બેઠક: માયાબેન-મયંક નાયક સહિતના અડધી કલાકમાં આપી દેશે આખોયે રિપોર્ટ
શહેર-વોર્ડ એમ બન્નેનું અલગ-અલગ લિસ્ટ તૈયાર કરાયું: સંકલન બેઠકમાં તમામ ફોર્મ મંજૂર
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના દરેક શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને કવાયત વધુ ઝડપી બનાવી દેવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપની વાત કરવામાં આવે તો શનિવારે દાવેદારી નોંધાવવા માટે એક-બે-પાંચ નહીં બલ્કે ૨૯ લોકોએ પોતાની દાવેદારી નોંધાવતાં કોને પસંદ કરવા તેને લઈને મોવડીઓ સામે પણ મોટો પડકાર આવી પડ્યો છે.
૨૯ લોકોએ ભરેલા ફોર્મને લઈને રવિવારે બપોરે શહેર ભાજપ કમલમ્ કાર્યાલયે ચૂંટણી અધિકારીઓ ઉપરાંત ચારેય ધારાસભ્યો, સાંસદો સહિતના વચ્ચે સંકલન બેઠક મળી હતી જેમાં તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી સાથે સાથે પ્રમુખ બનવા માટે કોણ પ્રબળ દાવેદાર ગણવા તેને લઈને મેરેથોન બેઠક મળ્યા બાદ આજે તમામ ૨૯ નામ ઉપર પ્રદેશ કક્ષાએ મંથન થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વખતે ભાજપ દ્વારા શહેર-જિલ્લા પ્રમુખની વરણી કરવા માટે પહેલી વખત દરેક કાર્યકર નેતાઓને આ પદ માટે દાવેદારી કરવાની તક આપવામાં આવી હતી. અત્યાર સુધી પ્રદેશ કક્ષાએથી પ્રમુખ માટે જે નામ પસંદ કરવામાં આવે તેને ગ્રાહ્ય રાખવામાં આવતું હતું પરંતુ આ વખતે દાવેદારી કરવાની તક મળતાં ૨૯ લોકોએ દાવેદારી નોંધાવી હતી.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારી ડૉ.માયાબેન કોડનાની, રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે રાજકોટના તમામ ૨૯ દાવેદારોની યાદી સોંપશે. આ બેઠક બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થશે અને દાવેદારી અંગે અડધી કલાકમાં સઘળો રિપોર્ટ આપી દેવામાં આવશે.
એવી વિગત પણ જાણવા મળી છે કે ૨૯ દાવેદારોના અલગ-અલગ બે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં જે દાવેદારોએ શહેરકક્ષાએ કામ કર્યું હોય તેમનું લિસ્ટ અલગ તો જે દાવેદારોએ વોર્ડકક્ષાએ કાર્ય કર્યું હોય તેમનું લિસ્ટ અલગ બનાવીને પ્રદેશ નેતાગીરીને સોંપવામાં આવશે. એકંદરે તમામ દાવેદારોના ફોર્મ ગ્રાહ્ય રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
કાલે અથવા બુધવાર સુધીમાં નામ થશે જાહેર: ૧૫ સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ કોણ ? આ પ્રશ્ન લોકસભા ચૂંટણી બાદથી ચર્ચાઈ રહ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તેમને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી શક્યતા ન બરાબર છે ત્યારે પ્રદેશ કક્ષાએ નવા પ્રમુખ આવવાના છે જેને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૫ જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત માટેની તૈયારી કરી લેવામાં આવી હોવાને કારણે શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂકની કવાયતમાં વધુ ઝડપ રખાઈ રહી છે એટલા માટે કાલે અથવા બુધવાર સુધીમાં દરેક શહેર-જિલ્લા પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવી શકે છે.