સાળંગપુર નો વિવાદ વકર્યોઃ સનાતની ભક્તે બેરીકેડ્સ તોડીને ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કર્યો
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સાળંગપુર મંદિર ખાતે અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા હનુમાનજીની વિશ્વ વિખ્યાત ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો છે. સાથે જ તોડફોડ કરવામાં આવી છે.
સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર કોઈ અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કાળો કલર મારનાર કોણ વ્યક્તિ છે, શું કારણ હતું તેની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ઘટનાના પગલે ડી.વાય.એસ.પી. ઘટના સ્થળે પહોંચ્યા હતા.
દરમિયાન આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આગળની રણનીતિ વિચારવા માટે તા. 3 ને સવારે 10 કલાકે અમદાવાદમાં સંતો ભેગા થશે. અમદાવાદના ભારતી આશ્રમ, સરખેજ, લંબે હનુમાન મંદિરે સંતો એકઠા થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરના મહંત અને મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુએ જણાવ્યું કે, આગામી દિવસોમાં લીંબડી ખાતે 100 સંતોની બેઠક મળશે, જે બાદ ભીમનાથ મંદિર ખાતે 3 હજારથી વધુ સાધુનું અધિવેશન મળશે. સ્વામિનારાયણ સંપ્રદાય ભીંતચિત્રોને લઈને યોગ્ય નિર્ણય કરે તેવી આશા છે. જો યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ચિત્રો કેમ કાઢવા તે સાધુઓને સારી રીતે આવડે છે. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 5 હજાર સાધુ-સંતો ઉપવાસ આંદોલન કરશે.
સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન
સાળંગપુર વિવાદને લઇને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું મારૂતિનો ભગત છું, તેનું સન્માન જળવાવું જોઇએ. મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય, એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે. સ્વામિનારાયણસંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવા ભીંતચિત્રો દૂર થવા જોઇએ. શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઇએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ.
કરણી સેના સારંગપુરમાં કરશે હલ્લા બોલ
સાળંગપુર વિવાદનો સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.
હથિયાર ધારણ કરવાની ચીમકી
બોટાદના રોકડીયા હનુમાનજી મંદિરના મહંત અને અખીલ ભારતીય પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે ચીમકી આપી છે કે, 24 કલાકમાં ભીત ચિત્રો નહી હટાવવામાં આવે તો હથિયાર ધારણ કરી કૂચ કરવામાં આવશે.