ક્યાંથી કેટલો કચરો નીકળે છે ? દરેક મિલકતનો સર્વે કરી ફોટા લેવાશે
મિલકતનો જ ફોટો લેવાશે, કોઈની પૂછપરછ નહીં કરાય: સર્વે કરનાર એજન્સીનો સ્ટાફ આઈકાર્ડ સાથે રાખશે; ચેકિંગ કરવા સલાહ
મહાપાલિકા દ્વારા ૧૧૦૦ કરોડના ખર્ચે ખાનગી એજન્સીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન મતલબ કે ઘરે-ઘરેથી કચરો એકઠો કરવાનો કોન્ટ્રાક્ટ ફાઈનલ કરવામાં આવ્યો છે. આ અંગેના ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દેતાં એજન્સી દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૌથી પહેલાં તો એજન્સી દ્વારા ક્યાંથી કચરો કેટલો નીકળે છે તેની ખરાઈ કરવા માટે દરેક મિલકતનો સર્વે કરી તમામ મિલકતના ફોટા લેવામાં આવશે. આ અંગે સર્વે કરવા આવનાર એજન્સીના સ્ટાફને શહેરીજનો દ્વારા સહકાર આપવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

પર્યાવરણ ઈજનેરના જણાવ્યા પ્રમાણે અઢારેય વોર્ડમાંથી મિનિ ટીપરવાન મારફતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની અદ્યતન ટેક્નોલોજી આધારિત શહેરના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટેલ, લારી-ગલ્લા, ક્લિનિક, હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોટ સહિતનો સર્વે કરવામાં આવશે. આ સર્વે એજન્સીના સ્ટાફ દ્વારા કરાશે. એજન્સીનો સ્ટાફ સ્થળ પર આવી દરેક વોર્ડની મિલકતની તસવી લેવામાં આવશે.
તંત્રએ ભારપૂર્વક જણાવ્યું કે એજન્સીના સ્ટાફ દ્વારા મિલકત સંબંધી કે મિલકતધારકને લઈને કોઈ પ્રકારનો સવાલ પૂછવામાં આવશે નહીં. આ સર્વે માત્રને માત્ર મિલકતની ગણતરી માટેનો જ છે. સર્વે કરવા આવનાર એજન્સીનો સ્ટાફ તેમના ફોટા સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર દ્વારા સહી કરી પ્રમાણિત કરેલ ઓળખ કાર્ડ સાથે સર્વે કરવા માટે આવશે.