ભૂતખાના ચોકમાં ટ્રાફિક સમસ્યા: નિવારણ ક્યારે આવશે?
ટ્રાફિક સિગ્નલ ન હોય તેવા પોઈન્ટ ઉપર ટ્રાફિક જામથી શહેરીજનો પરેશાન: કેટલાક વાહનચાલકો પણ આ સ્થિતિ માટે જવાબદાર
રાજકોટમાં શહેરીજનો માટે માથાના દૂ:ખાવા સમાન ટ્રાફિક સમસ્યા અનેક બ્રિજ બન્યા, રસ્તો પહોળા થાય પરંતુ હજુ પણ આ સમસ્યા જેમની તેમ જ છે. કેટલીક જગ્યાએ ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસની નબળી કામગીરી તો ક્યાંક કેટલાક વાહનચાલકો આડેધડ વાહન ચલાવતા હોવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. તેરે શહેરના ભૂતખાના ચોક વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે.
રાજકોટવાસીઓને સૌથી વધારે સતાવતી કોઈ સમસ્યા હોય તો તે ટ્રાફિક સમસ્યા છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકોની અવર-જવર વધુ રહેતી હોય આ વિસ્તારોમાં ટ્રાફીમ જામ થવાના બનાવો સામાન્ય બની ગયા છે. બપોરના સમયે શાળા છૂટવાનો સમય હોય કે પિક અવર્સમાં વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હોવાના દ્રશ્યો જોવા મળે છે. શહેરના ભૂતખાના ચોક વિસ્તારમાં પણ આવ જ દ્રશ્યો જોવા મળે છે. અહીથી જ્યારે પસાર થઈએ ત્યારે અનેકવાર ટ્રાફિકજામ સર્જાતાં વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે. અહી ટ્રાફિક પોઈન્ટ પણ છે. જ્યારે ટ્રાફિક પોલીસ કે વોર્ડન હોય ત્યારે વાહન વ્યવહાર સામાન્ય રીતે ખોરવાતો નથી પરંતુ જ્યારે તેઓ જમવા ગયા હોય તેવા સમયે અને ખાસ કરીને બપોરના સમયે ટ્રાફિકજામ થાય છે. આ વિસ્તારમાં પહેલા એસટી બસ્ટેન્ડ હતું જેને નવા રૂપરંગ સાથે એસટી બસ પોર્ટ કરવામાં આવ્યું. રોડ પહોળો કરવામાં આવ્યો પરંતુ અહી સર્જાતી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ નહિ અને હાલમાં પણ સ્થિતિ જેમની તેમ જોવા મળે છે.
વાહનચાલકો આડેધડ વાહનો ચલાવતા હોય સર્જાતી સ્થિતિ
ભૂતખાના ચોક વિસ્તારમાં જ દુકાન ધરાવતા જગદીશ ભાઈએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પહેલા ખૂબ ટ્રાફિક સમસ્યા રહેતી હતી, જ્યારે ટ્રાફિક પોલીસ કે વોર્ડન હોય છે ત્યારે ટ્રાફિકજામ થતો નથી, પરંતુ જ્યારે તેઓ ન હોય ત્યારે ટ્રાફિક જામ થાય છે. જ્યારે કેટલાક વાહનચાલકો આડેધડ વાહન ચલાવતા હોય ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
