વડાપ્રધાનના કાર્યક્રમને લઈને `વોર્ડપ્રમુખ’ સાથેના સંકલન વિશે પૂછાતાં જ મામલો બિચક્યો…વાંચો શું થયું..
મોદીના આગમન પૂર્વે જ શહેર ભાજપના આગેવાનો ‘લડી’ લેવા તૈયાર હોય તેવો માહોલ
બહેન… વડાપ્રધાન આવી રહ્યા છે, જરા ગંભીર બનો
તમારે મારી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે અબજો રૂપિયાના વિકાસકાર્યોના ખાતમુર્હૂત-લોકાર્પણ થવાના છે. બીજી બાજુ વડાપ્રધાનની રેસકોર્સ ખાતે વિશાળ જાહેરસભા અને તેના પહેલાં એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ-શો થવાનો હોય શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ બધાની વચ્ચે જ ટોચના નેતાઓ વચ્ચે ગરમાગરમ શબ્દોની આપ-લે થઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં રાજકીય ગલિયારામાં ચકચાર મચી જવા પામી છે. આ ચકચક શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને રાજકોટ-૬૯ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ વચ્ચે ઝરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ભાજપના એક ટોચના હોદ્દેદારે નામ ન આપવાની શરતે વોઈસ ઓફ ડે'ને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવ્યું કે આજે બપોરે મેયર બંગલે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સંગઠન મંત્રી રત્નાકર સહિતનાની હાજરીમાં નેતાઓની એક બેઠક મળી હતી. આ પ્રકારની બેઠક અત્યાર સુધીમાં ચારેક વખત મળી ચૂકી છે જેમાં ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ ગેરહાજર રહ્યા હતા.
બીજી બાજુ શહેર ભાજપ દ્વારા રાજકોટ-૬૯ વિધાનસભાના વોર્ડપ્રમુખ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં વોર્ડપ્રમુખને વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારી અંગે ડૉ.શાહનો ફોન આવ્યો કે નહીં તેવું પૂછાયું હતું જે બાદ એકાદ પ્રમુખે ફોન આવ્યાનું કહ્યું હતું તો બે જેટલા પ્રમુખે કોઈ જ ફોન ન આવ્યાનું કહેતાં જ મેયર બંગલેથી જ ડૉ.શાહને ફોન કરવામાં આવ્યો હતો જેમાં આ પ્રકારની લાપરવાહી અંગે પૂછવામાં આવતાં જ ડૉ.શાહે શહેર પ્રમુખને
તમારે મારી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો’ તેવો જવાબ આપતાં જ થોડી વાર માટે સન્નાટો પ્રસરી ગયો હતો.
જાણવા તો એવું પણ મળ્યું છે કે અત્યાર સુધી મેયર બંગલે કાર્યક્રમની તૈયારીને લઈને ચાર વખત બેઠક મળી ચૂકી હતી જેમાં ડૉ.શાહ ગેરહાજર રહ્યા હતા. આ મુદ્દો પણ ફોન પર ચર્ચાયો હતો.
ચર્ચા તો એવી પણ સંભળાઈ રહી છે કે ધારાસભ્ય ડૉ.શાહે શહેર ભાજપ પ્રમુખને તમે બોલવામાં ધ્યાન રાખો સહિતના શબ્દો પણ કહી દીધા હતા ! જો કે આ વાત વધુ આગળ વધે તે પહેલાં જ ઉપસ્થિત આગેવાનોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડી દીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ભાજપમાં છાશવારે કોઈને કોઈ બાબતે નેતાઓનો અહમ ઘવાઈ જતો હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય હવે આ મામલો પ્રદેશકક્ષાએ પહોંચશે અને ત્યારબાદ નવાજૂની થઈ જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં રહે.
પૈસાના ખર્ચની વાત આવે એટલે ડૉ.શાહસાઈડ'માં ચાલ્યા જતા હોવાનો ગણગણાટ! બીજી બાજુ શહેર ભાજપ દ્વારા વોર્ડપ્રમુખો સાથેની વાતચીતમાં એવું પણ જાણવા મળ્યું છે કે પક્ષનો કોઈ કાર્યક્રમ હોય અને તેમાં પૈસાનો ખર્ચ કરવાની વાત આવે એટલે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ એકદમ
સાઈડ’માં ચાલ્યા જાય છે ! આ મુદ્દાની પણ પક્ષે ગંભીર નોંધ લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અમારે કોઇ બોલાચાલી થઇ નથી: ડૉ.શાહ
આ અંગે `વોઈસ ઓફ ડે’ દ્વારા ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે મારે અને મુકેશભાઈ દોશીને કોઈ જ પ્રકારની બોલાચાલી થઈ નથી. મેયર બંગલે પાર્ટી સંકલનની બેઠક હતી જેમાં મેં હાજરી આપી હતી અને વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની ચર્ચા સિવાય બીજી કોઈ જ પ્રકારની વાત થઈ નથી.
વાત ક્યાંથી બગડી?
આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરાતાં એવું પણ જાણવા મળ્યું શહેર ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં રાજકોટના ચારેય ધારાસભ્યોને તેમના વિસ્તારમાંથી ૨૫-૨૫ હજાર લોકોની મેદની સભામાં એકઠી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. શહેર પ્રમુખ દોશી દ્વારા આ મામલે સમયસર ફોલોઅપ પણ લેવાઈ રહ્યું હતું. જો કે વોર્ડ પ્રમુખ સાથે ફોલોઅપ લેવાઈ ગયું છે તેવું ટેલિફોન પર પૂછતાં તેમણે કહ્યું હતું કે હા, વાત થઈ ચૂકી છે. જો કે આ બાબતે શહેર ભાજપે ક્રોસ ચેકિંગ' કરતાં ડૉ.શાહનો વોર્ડપ્રમુખોને કોઈ જ ફોન ન આવ્યાની વાત બહાર આવતાં મામલો ગરમાયો હતો અને પછી મુકેશ દોશીએ ડૉ.શાહને
ગંભીર’ બનવા કહ્યું હતું.
મામલાને વિકૃત' બનાવાયો: દોશી શહેર ભાજપ પ્રમુખે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ સાથે મારે કોઈ જ પ્રકારનો અણબનાવ નથી અને અમે તો પરિવારના સભ્યો છીએ. કોઈ દ્વારા આ મામલાને જાણીજોઈને વિકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બાકી અમારા વચ્ચે કોઇ જ વિવાદ નથી.