રાજકોટની સાચી સ્થિતિ શું છે ? હવે ખબર પડશે !
ધરાતલ સરકી જાય તે પહેલાં જ સૌને `એક્ટિવ’ કરી દેવાની રણનીતિ…
ભાજપના દરેક કોર્પોરેટરને એક સપ્તાહ સુધી પોતાના વોર્ડમાં બે કલાક સુધી આંટાફેરા કરવા, લોકોના પ્રશ્નો સાંભળવા આદેશ
ગટર ઉભરાવાની, પાણી ભરાવાની, ગંદકી-સફાઈની, પાણી નહીં આવવા સહિતની ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ કરવા ફરમાન
મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓએ પણ હોદ્દો ભૂલી કોર્પોરેટર તરીકે પોતાના વોર્ડમાં કાર્યરત રહેવું પડશે
રાજકોટમાં ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડ બાદ ભાજપના શાસકો ઉપર લોકો દ્વારા બેફામ માછલા ધોવાઈ રહ્યા છે. ભાજપના ઘણાખરા નગરસેવકો એવા છે જેઓ એક વખત ચૂંટાઈ ગયા બાદ વોર્ડમાં ભાગ્યે જ મોઢું બતાવતા હોય છે ! એકંદરે રાજકોટની સાચી સ્થિતિ શું છે તેનો ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂરતો ખ્યાલ હોતો જ નથી તેમ કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી. રાજકોટમાં અત્યારે ભાજપના ચૂંટાયેલા ૬૮ નગરસેવકો છે પરંતુ તેમાં બહુ જૂજ એવા હશે જેઓ પોતાના વોર્ડના નાગરિકોનો ફોન ઉપાડવાની તસ્દી લેતા હોય અથવા તો ફોન ઉપાડીને સરખો જવાબ આપવામાં માનતા હોય ! આમ થવાથી અરજદારો પાસે પોતાની ફરિયાદના ઉકેલ માટે મનપા કચેરીના ધક્કા ખાવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. આ અંગે વારંવાર ફરિયાદો ઉઠતાં આખરે તમામ કોર્પોરેટરોને એક્ટિવ કરી દઈ મતદારો સાથે જોડવા માટેની રણનીતિ ઘડી કાઢવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અગ્નિકાંડ બાદ કોંગ્રેસ અલગ-અલગ મુદ્દે ભાજપ ઉપર તડાપીટ બોલાવી રહી છે. બીજી બાજુ આવતાં વર્ષે મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમાં ધરાતલ મતલબ કે મતદારો મોઢું ન ફેરવી લ્યે તે માટે અત્યારથી જ તૈયારી કરી લેવામાં આવી છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભાજપના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને એક સપ્તાહ સુધી પોતાના વોર્ડમાં બે કલાક માટે અચૂક હાજર રહેવા અને લોકપ્રશ્નો સાંભળવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરેક કોર્પોરેટરે પોતાના વોર્ડમાં સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી હાજર રહેવું પડશે. આ ઉપરાંત સૌથી પહેલાં વોર્ડમાં રાઉન્ડ લઈને લોકો સાથે મુલાકાત કરવાની અને તેમની મુશ્કેલી-સમસ્યા જાણ્યા બાદ તેનું સ્થળ ઉપર જ નિરાકરણ આવે તે પ્રકારે કાર્યવાહી કરવાની રહેશે. રાઉન્ડ પૂર્ણ થયા બાદ દરેક કોર્પોરેટર બે કલાક સુધી વોર્ડ ઑફિસમાં હાજર રહેશે અને ત્યાં તેમની સાથે લાગુ સ્ટાફ પણ તૈનાત રહેશે જેથી કરીને ફરિયાદોનું ત્વરિત ઉકેલ લાવી શકાય.
એકંદરે રાજકોટમાં ગટર ઉભરાવાની, પાણી પૂરતું નહીં આવવાની અથવા તો સમયસર નહીં આવવાની, ગંદકી-સફાઈ સહિતની ફરિયાદો ઢગલા મોઢે થતી હોય છે પરંતુ તેનો ઉકેલ યોગ્ય રીતે ન થતો હોવાથી લોકોમાં રોષ વ્યાપી જતો હોય છે. આ રોષને ઠારવા માટે જ આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.