સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અશ્વ સંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટમાં શું થયા લોચા ? : જુઓ વિડિયો
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010- 11 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ માટે રૂ. 50.65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ ઘોડા, ઘોડી કે ઘાસ ન આવ્યું હોવા છતાં તબેલા માટે રૂ. 20,10,522 નો ખર્ચ કરી વર્ષ 2020માં ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામકની કચેરીની સૂચના મુજબ બાકીની રૂ. 30,54,478 પરત જમા કરાવવામાં વી હોવાનું સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે કરેલીઆરટીઆઈમાં વિગતો બહાર આવી છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી આરટીઆઈમાં ઉપરોક્ત માહિતી સામે આવતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન માટે મળેલા પ્રોજેક્ટ અંતર્ગત કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેમાંથી કેટલો ઉપયોગ થયો તે બાબતની માહિતી માગી હતી જેનો જવાબ આવતા આશ્ચર્ય વચ્ચે રૂ. 50.65 લાખ માંથી રૂ. 20 લાખ જેટલો ખર્ચ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ અહીં માત્ર અશ્વોને રાખવા માટેનો તબેલો જ તૈયાર થઈ શક્યો છે અહીં અત્યાર સુધી અશ્વો પણ આવ્યા નહીં અને સૌરાષ્ટ્રની ઓળખ ગણાતા કાઠીયાવાડી અશ્વો ઉપર સંશોધન પણ ન થયું. કાઠિયાવાડી અશ્વો એ સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે ત્યારે તેના પ્રત્યે સમાજમા જાગૃતિ આવે,તે માટે અશ્વ પ્રજાતિનુ સંવર્ધન અને સંશોધન કરવુ એ ખુબ અગત્યની બાબત કહી શકાય ત્યારે સરકારની ગ્રાંટોનો યુનિવર્સિટી ઉપયોગ જ ના કરી શકી ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા સરકાર વિદ્યાર્થીલક્ષી અનેક ગ્રાંટો અને પ્રોજેક્ટો આપે છે પરંતુ સતાધીસો પાસે આ ગ્રાન્ટનો સમયસર સદુપયોગ કરવા કોઈ પ્રીપ્લાન કે મેપ નથી હોતો.માત્રને માત્ર કાગળ પર જ એમઓયુ અને પ્રોજેક્ટો રહી જાય છે અને અંતે ગ્રાંટો પરત જમા કરાવવી પડે જેથી વિદ્યાર્થીઓ મહત્વના અતિઉપયોગી પ્રોજેક્ટોથી વંચિત રહી જતા હોય તે શિક્ષણજગત માટે દુઃખદ બાબત ગણાવી હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, વર્ષ 2010 – 11 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાઠીયાવાડી અશ્વોના સંવર્ધન અને સંશોધન માટે રૂપિયા 50 લાખ જેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી જેમાંથી માત્ર તબેલો બનાવવા પાછળ જ છે રૂપિયા 20 લાખનો ખર્ચ થઈ ગયો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અશ્વોના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગયા કે શુ ? તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે – તે વખતે આ પ્રોજેક્ટના કોર્ડીનેટર ઇતિહાસ ભવનના અધ્યાપક પંકજ વલવાઈ હતા. જેઓ હાલ ધોળકાના ડેપ્યુટી કલેકટર હોવાનુ જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાઠીયાવાડી અશ્વોના સંશોધન કેન્દ્રના નામે માત્ર તબેલો જ તૈયાર કરી શકતા રાજ્ય સરકારના પશુપાલન વિભાગે વધારાની ગ્રાન્ટ વ્યાજ સહીત પરત માગતા 30 લાખ પરત આપી દેવા પડ્યા છે જે ખુબ જ શરમજનક બાબત છે જેથી આ સંશોધન કેન્દ્ર ફરીથી શરૂ કરવામાં આવ્યા તે માટેની માંગણી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સમક્ષ મૂકી છે તેમના દ્વારા સરકાર સમક્ષ આ માંગણી મુકવામાં આવશે.
બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી પણ અશ્વના ભાવ ન આવ્યા : રજિસ્ટ્રાર પરમાર
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઘોડાની ગ્રાન્ટ પાછી જવા પ્રકરણમાં રજિસ્ટ્રાર આર.જી.પરમારે જણાવ્યું હતું કે, આ બાબત 14 વર્ષ જૂની છે કાઠિયાવાડી અશ્વ અંગે સંવર્ધન સંશોધન માટેના પ્રોજેક્ટમાં એકેડમિક પાર્ટ પૂર્ણ થયેલ છે પરંતુ ટેક્નિકલ બાબતમાં ઘોડા, ઘોડી ખરીદવા માટે બબ્બે વખત ટેન્ડર કરવા છતાં ભાવ ન આવતા પશુપાલન વિભાગની સૂચના મુજબ આ વેટરનરીની બાબત હોય સૌરાષ્ટ્ર યુનિવર્સીટીથી જો ટેક્નિકલ બાબત શક્ય ન બનતી હોય તો ગ્રાન્ટ પરત કરવા જણાવવામાં આવતા તબેલાના ખર્ચ બાદ કરતા આ ગ્રાન્ટની બાકી રકમ 30,54,478 તા. 25- 06- 2020 ના રોજ સરકારમાં જમા કરાવી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.