ગુજરાત ગૌણ સેવા પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો શું ધ્યાન રાખે…?
પોતાના લગ્ન, અન્ય પરીક્ષા અને પ્રસુતિ જેવા કારણોમાં મંડળ દ્વારા ઉમેદવારને અન્ય પરીક્ષા માટે અન્ય તારીખ આપવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આગામી મહિનાઓમાં યોજાનારી સીસીઈની પરીક્ષા અંગે પ્રશંસનીય નિર્ણય કર્યો છે. સીસીઈની પરીક્ષા આપનાર ઉમેદવારને પોતાના લગ્ન કે યુનિવર્સીટીની પરીક્ષા હોય અથવા મહિલા ઉમેદવારને પ્રસૂતિની તારીખ હોયતો આવા ઉમેદવારો માટે બોર્ડ અલગથી પરીક્ષા યોજશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાના ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, યુનિવર્સિટીની કે અન્ય કોઈ પરીક્ષા હશે તો તેને CCEની પરીક્ષા માટે અલગથી તારીખ આપવામાં આવશે. અહીં મહત્વની બાબત એ છે કે આવા ઉમેદવારોએ પરીક્ષાની તારીખ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આધર-પુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગનનામુ પણ આપવું પડશે. બીજી મહત્વની બાબત એ છે કે ઉમેદવારનાં પોતાના મેરેજ હશે તો જ છૂટછાટ મળશે જો પરિવારના હશે તો બદલી આપવામાં નહીં આવે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે તા. 1 માર્ચ 2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર ઉમેદવારને કોલ લેટરમાં ફાળવેલા સ્થળ, તારીખ અને સમય બદલી શકશે નહીં.
આ પરીક્ષા કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાના કારણોસર તદુપરાંત મહિલા ઉમેદવારને પ્રસુતિની તારીખના કિસ્સામાં ઉમેદવારની રજુઆત અન્વયે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ કોઈ ઉમેદવારને પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા તારીખ ફાળવવામાં આવશે નહીં. આ માટે ઉમેદવારોએ આપેલી સૂંચનાઓ ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે.
1 – ઉમેદવારના પોતાના લગ્ન હોવાના કિસ્સામાં
આ માટે ઉમેદવારે તેઓના લગ્નની અસલ કંકોત્રી સાથે અને રૂ. 50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. ઉપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ પણ રજૂ કરવાનું રહેશે.
2 – ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં
આ માટે ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂરી આધારો અને રૂ. 50ના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે.
3 – મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં
આ માટે ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજીત તારીખ (Expected Delivery Date) અંગે જરૂરી આધાર-પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. (સોંગદનામાની જરૂર નથી)
ઉમેદવારો માટે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત
જો કોઈ ઉમેદવાર દ્વારા ખોટા દસ્તાવેજો રજુ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. આ ઉપરાંત ખોટું સોગંદનામું રજુ કરવા સબબ ફોજદારી ગુનોં પણ બની શકે છે. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.