શું વાત કરો છો ? કેબિનેટ મંત્રીના વૉર્ડમાં ગંદકી ? મનપા દોડતી થઈ, તાત્કાલિક થયેલી સફાઈ
વૉઈસ ઑફ ડે'માં સતસવીર અહેવાલ પ્રસિદ્ધ થતાં જઆળસું’ તંત્રને ભાન થયું: કચરાના ખડકાયેલા ગંજ ઉપાડી ઉપાડીને સ્ટાફને પરસેવો વળી ગયો
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વૉર્ડ નં.૧માં વાળીનાથ ચોકમાં મેઈન રોડ ઉપર જ આવેલા મહાપાલિકાના ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલેઢગલા થઈ ગયા હોવાનું અને બીમારીનો રાફડો ફાટી શકે તેવી ભીતિ સાથે વૉઈસ ઑફ ડે' દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાં જઆળસું’ તંત્રમાં દોડધામ થઈ પડી હતી અને તાત્કાલિક સફાઈ કરીને પ્લોટને ચોખ્ખો-ચણાંક કરવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વૉર્ડ નં.૧ અને વૉર્ડ નં.૨માં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત પ્રમાણે વૉર્ડ નં.૧માં ૧૮૭ જેટલા વિસ્તારોની સફાઈ કરવામાં આવી છે જેમાં સાત ન્યુસન્સ પોઈન્ટ છે જેની સફાઈ કરાઈ છે. જેસીબી મારફતે ૧૬ ટન કચરો કાઢવામાં આવ્યો છે તો ૩૮ ટન જેટલો કચરો ઉપાડવામાં આવ્યો છે. ૧૭ જેટલા મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવી છે તો પાંચ જેટલી ટવીન બીન (કચરાપેટી)ની સફાઈ કરાઈ છે. આ સહિતની અલગ-અલગ વિગતો જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત વૉર્ડ નં.૨માંથી ૩૧ મેટ્રિક ટન કચરો એકઠો કરવામાં આવ્યો છે. અહીં ૨૦૯ જેટલા સફાઈ કામદારો દ્વારા ૨૦૯ વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રીજીનગર, શિવાજી પાર્ક, આરાધના સોસાયટી, મારૂતિનગર સહિતના વિસ્તારોમાં આવેલા ઘરોમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે છ જેટલા મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવી હતી.
