સ્માર્ટ સીટી નજીક 14 કરોડની જમીન ખુલ્લી કરાવતા પશ્ચિમ મામલતદાર
રૈયા શાંતિનિકેતન સોસાયટી પાછળ ઢોરવાડા, ગેરેજ, દુકાન અને ફરસાણનું ગોડાઉન બની ગયું હતું.
રાજકોટ શહેરમાં જમીન કૌભાંડિયા તત્વો સરકારી જમીનને નિશાન બનાવી દબાણ કરી રહ્યા છે ત્યારે પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સર્વે નંબર 318માં સ્માર્ટ સીટી નજીક 14 કરોડની કિંમતી 2900 ચોરસ મીટર જમીન ઉપરથી ઢોરવાડા ગેરેજ, દુકાન અને ફરસાણના ગોડાઉનનું દબાણ દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરાવવામા આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના અટલ સરોવર નજીક શાંતિનિકેતન પાછળના ભાગે રૈયા સર્વે નંબર 318 પૈકીની કિંમતી જમીન ઉપર દબાણો ઉભા થઈ ગયા હોવાનું ધ્યાને આવતા પશ્ચિમ મામલતદાર અજિત જોશી અને તેમની ટીમે દબાણ કરનાર શખ્સોને નોટિસ ફટકારી લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરતા જ દબાણકારોમાં ફફડાટ મચી ગયો હતો. બીજી તરફ પશ્ચિમ મામલતદાર જોશીની ટીમે શુક્રવારે રૈયા સર્વે નંબર 318માં રૈયા ટીપી સ્કીમ નંબર 66 પૈકી 1/1ની કુલ 29927 જમીન પૈકી 2900 ચોરસ મીટર જમીન ઉપરના દબાણ હટાવવાની કાર્યવાહી કરતા જ કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા.પશ્ચિમ મામલતદાર દ્વારા અહીંથી ઢોરવાડા ગેરેજ, દુકાન અને ફરસાણના ગોડાઉન સહિતના દબાણ ખુલ્લા કરાવી અંદાજે 14 કરોડની જમીન દબાણ મુક્ત કરી હતી.