પે એન્ડ પાર્ક: નુકસાન થાય કે ચોરાઈ જાય તો અમારી જવાબદારી નહીં !!
કોન્ટ્રાક્ટરોને માત્રને માત્ર પાર્કિંગ ચાર્જ વસૂલવામાં જ રસ
મનપાએ ૩૩ સાઈટ ઉપર પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો પણ મહત્ત્વની શરત ઉમેરવાનું ભૂલાયું
કોન્ટ્રાક્ટરે રાખેલા કર્મીઓ દ્વારા વ્યવસ્થિત પાર્કિંગ કરાવાતું ન હોવાથી અનેક સાઈટ પર રોજ વાહનોમાં થઈ રહેલું નાનું-મોટું નુકસાન
અમદાવાદ મનપાએ પાર્કિંગ પોલિસીમાં જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે નાખી પરંતુ રાજકોટમાં હજુ તેના કોઈ જ ઠેકાણા નથી
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તેમજ લોકોને પાર્કિંગ માટે વ્યવસ્થિત જગ્યા મળી રહે તે માટે પે એન્ડ પાર્કની સુવિધા મહાપાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. રાજકોટમાં અલગ-અલગ ૬૧ સ્થળે પે એન્ડ પાર્કની સાઈટ નક્કી કરવામાં આવી છે જે પૈકી ૩૩ સાઈટ ઉપરનો કોન્ટ્રાક્ટ તાજેતરમાં જ મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરતાં તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે મહત્ત્વની વાત એ છે કે પે એન્ડ પાર્કની સાઈટ પર પૈસા ચૂકવીને વાહન પાર્ક કરનાર વાહન માલિકનું વાહન ચોરાઈ જાય અથવા તો તેમાં નાનું-મોટું નુકસાન થાય તો તેની જવાબદારી એક પણ કોન્ટ્રાક્ટરના ખભે તંત્ર દ્વારા નાખવામાં આવી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ અમદાવાદ મહાપાલિકા દ્વારા પાર્કિંગ પોલિસીમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે જે અનુસાર પે એન્ડ પાર્કિંગ સાઈટનો કોન્ટ્રાક્ટ રાખનારની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે કે જો સાઈટ પરથી કોઈનું વાહન ચોરાઈ જાય કે નુકસાન થાય તો તેના માલિકને વળતર ચૂકવવા માટે કોન્ટ્રાક્ટર બંધાયેલા છે. જો કે રાજકોટ મહાપાલિકા અત્યંત મહત્ત્વની કહી શકાય તેવી આ શરત હજુ સુધી પોતાની પાર્કિંગ પોલિસીમાં ઉમેરી શકી નથી જેના કારણે દરરોજ અલગ-અલગ સાઈટ પર વાહનોમાં નાનું-મોટું નુકસાન થયું હોવા છતાં તેના માલિકે જ વેઠવું પડી રહ્યું છે.
વાહનમાં નુકસાન થાય કે ચોરાઈ જાય તો સ્વાભાવિક પણે સૌથી પહેલી જવાબદારી પે એન્ડ પાર્કિંગ સાઈટના કોન્ટ્રાક્ટરની જ જવાબદારી બને કેમ કે વાહનોનું વ્યવસ્થિત પાર્કિંગ થાય અને તે ચોરાઈ ન જાય તે જોવાનું કામ કોન્ટ્રાક્ટરે રાખેલા કર્મચારીઓનું જ હોય છે. જો કે આ દિશામાં ધ્યાન અપાતું ન હોવાથી અને વ્યવસ્થિત પાર્કિંગ કરાવવામાં આવતું ન હોવાને કારણે વાહનો એકબીજા સાથે અથડાવાને કારણે નાનું-મોટું નુકસાન થયા વગર રહેતું નથી.
શા માટે અમદાવાદ મહાપાલિકા દ્વારા ઘડાયેલા નિયમોનું અનુસરણ રાજકોટ મનપા ન કરી શકે તે વાત તો અધિકારીઓ જ જાણતા હશે પરંતુ આ નિયમ અત્યંત મહત્ત્વનો હોવાનું શહેરીજનો માની રહ્યા છે સાથે સાથે કહી રહ્યા છે કે અમે રૂા.૧૦થી લઈ ૩૦ સુધીનો ચાર્જ ચૂકવીયે છીએ છતાં કોન્ટ્રાક્ટરની કોઈ જ જવાબદારી ન બનતી હોય તો પછી કોન્ટ્રાક્ટરે તો માત્રને માત્ર કમાણી ઉપર જ ધ્યાન આપવાનું રહે ને ?!!
પહોંચમાં જ `માલિકના જોખમે પાર્કિંગ કરવું’ તેવો ઉલ્લેખ !
પે એન્ડ પાર્કિંગની સાઈટ પર કોઈ વ્યક્તિ વાહન રાખે એટલે તેની પાસેથી પૈસા લઈને એક પહોંચ આપવામાં આવે છે જેમાં સ્પષ્ટપણે લખેલું હોય છે કે અહીં વાહન પાર્કિંગ માલિકના જોખમે જ કરવાનું રહેશે ! જો આ પ્રકારનું લખાણ પહોંચ ઉપર લખવામાં આવતું હોય તો પછી કોન્ટ્રાક્ટર દ્વારા પહોંચમાં એવો ઉલ્લેખ પણ કરવો જોઈએ કે પાર્કિંગની સાઈટ પર વ્યવસ્થિત વાહન પાર્ક કરવું, વાહન લોક કરીને રાખવું સહિતનું લખાણ પણ લખવું જ જોઈએ. જો કે મહત્ત્વની વાત જ એ છે કે અમુક સાઈટને બાદ કરતાં લગભગ દરેક સાઈટ પર ઠાંસી ઠાંસીને વાહનો પાર્ક કરાવવામાં આવ્યા હોવાથી તેમાં નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી રહે છે.
મહાપાલિકામાં કોન્ટ્રાક્ટરની જવાબદારી `ફિક્સ’ નથી કરાઈ: મયુર ખીમસુરીયા
આ અંગે ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ વિભાગના મેનેજર મયુર ખીમસુરીયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ મનપાની પાર્કિંગ પોલિસીમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ કરતો કોઈ જ નિયમ અમલમાં નથી ! મતલબ કે પે એન્ડ પાર્કિંગ સાઈટ પરથી વાહન ચોરાય કે નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી વાહનન માલિકે જ ઉઠાવવાની રહેશે.
વાહન ચોરાય જાય તો કોન્ટ્રાક્ટર ફરિયાદ નોંધાવવા સાથે જાય, નુકસાન થાય તો ઈન્સ્યોરન્સના ભરોસે !
એવી વિગતો પણ જાણવા મળી છે કે રાજકોટની પે એન્ડ પાર્કિંગ સાઈટ પરથી વાહન ચોરાય તો કોન્ટ્રાક્ટર વાહનના માલિક સાથે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી શકે છે ! અત્રે મહત્ત્વનું એ છે કે કોઈનું વાહન ચોરાય તો તેની ફરિયાદ કરવા તેના માલિક પોતે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવવા સક્ષમ હોય છે તેમાં કોન્ટ્રાક્ટર જાય કે ન જાય શું ફરક પડે ? આ જ રીતે નુકસાન જાય તો તે વાહનનો વીમો હોય તો તેના આધારે વળતર મેળવવાનું રહે છે મતલબ કે કોન્ટ્રાક્ટરે કોઈ જ જવાબદારી લેવાની થતી નથી !!