આજી-૨, ન્યારી-૨માંથી સિંચાઇ માટે છોડાયું પાણી
ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી રહ્યા છે ખેડૂતો: કેનાલ મારફતે આપવામાં આવી રહ્યું છે દૈનિક ૩૦ થી ૧૩૦ ક્યુસેક પાણી
રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકનું ખેડૂતો દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોની માંગ મુજબ ન્યારી-૨ અને આજી-૨ ડેમની કેનાલમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.
સિંચાઇ વિભાગમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાલ ચોમાસા પહેલા જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જે માટે ખેડૂતોએ સિંચાઇ માટે પાણીની માંગ કરી હતી. જે અંતર્ગત તા.૨૦થી ન્યારી-૨ ડેમ હેઠળ આવતા રંગપર, બોડીઘોડી, મેટોડા, સરપદળ, પાટી રામપર, વણપરીના ખેડૂતો મળી કુલ ૧૧૦૦ હેક્ટર જમીન માટે દૈનિક ૩૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત આજી-૨ માંથી પરાપીપળિયા, ગઢળા, દહીસરડા, ઉકરડા, ખંઢેરી, મોવૈયા સહિતના ગામોની ૧૮૦૦ હેક્ટર જમીન માટે ૧૩૦ ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે, જિલ્લામાં ચોમાસા પહેલા કેટલાક ખેડૂતો દ્વારા હાલ કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
